મુંબઈ એરપોર્ટના ૧૪ ઈન્ટરનેશનલ રૂટ્સને નવી મુંબઈ શિફ્ટ કરવા વિદેશી એરલાઈન્સનું સમર્થન

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) ના ટર્મિનલ-૧ (T1) ના પુનઃવિકાસ કાર્યને પગલે, ૧૪ આંતરરાષ્ટ્રીય રૂટ્સને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર શિફ્ટ કરવાના નિર્ણયને વિદેશી એરલાઈન્સે સમર્થન આપ્યું છે. પીટીઆઈના અહેવાલ અનુસાર મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) ના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ મોહન ઝાએ નાગરિક ઉડ્ડયન સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, એરલાઈન્સે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ને ડેસ્ટિનેશન આધારિત આ ફેરફાર માટે ભલામણ કરી છે.
ઇન્ડિગો, એર ઇન્ડિયા ગ્રૂપ અને અકાસા એર જેવી ભારતીય એરલાઇન્સ અગાઉથી જ આ સ્થળાંતર માટે સંમત થઈ ચૂકી છે. ૨૮ માર્ચ, ૨૦૨૭ થી શરૂ થતા IATA સમર શેડ્યૂલથી મુંબઈ એરપોર્ટ પરથી ૧૪ આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવશે અને આ એરલાઇન્સ નવી મુંબઈથી કાર્યરત થશે. આ રૂટ્સમાં બહેરીન, દમ્મામ, ઢાકા, દોહા, ફુજૈરાહ, જકાર્તા, જેદ્દાહ, કાઠમંડુ, કુવૈત સિટી, મદીના, મસ્કત, રાસ અલ ખૈમાહ, રિયાધ અને શારજાહનો સમાવેશ થાય છે.
આ વ્યૂહાત્મક પગલાથી મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) માં આ રૂટ્સની તમામ ફ્લાઇટ્સ બે અલગ-અલગ એરપોર્ટ પર વહેંચાવાને બદલે એક જ એરપોર્ટ પર ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરોને કનેક્ટિવિટીમાં સરળતા રહેશે. આ ફેરફારથી મુંબઈ એરપોર્ટની હાલની ક્ષમતાના ૯૧ ટકા ભાગને કોઈ અસર નહીં થાય. MIAL એ વાર્ષિક આશરે ૫૦ લાખ (૫ મિલિયન) મુસાફરોનો ટ્રાફિક શિફ્ટ કરવો પડશે.
૧૯૬૪માં બનેલા ટર્મિનલ-૧ (T1) ના આઈઆઈટી બોમ્બે અને સ્ટ્રક્ટવેલના ઓડિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. વર્ષોથી વિલંબિત આ પ્રોજેક્ટ અંતર્ગત એપ્રિલ ૨૦૨૭ થી T1 વિકાસનું કામ તબક્કાવાર શરૂ થશે અને ૨૦૩૦ સુધીમાં નવું ટર્મિનલ તૈયાર થશે, જેની ક્ષમતા ૨ કરોડ મુસાફરોની હશે. આ ગાળા દરમિયાન મુંબઈ એરપોર્ટની કુલ ક્ષમતા ૫.૫ કરોડથી વધીને ૬.૫ કરોડ થશે.
બીજી તરફ, નવી મુંબઈ એરપોર્ટ (NMIA) ની શરૂઆતની ક્ષમતા ૨ કરોડ મુસાફરોની છે, જેને ભવિષ્યમાં ૯ કરોડ સુધી લઈ જવાશે. નવા એરપોર્ટ પર આકર્ષક ટેરિફ પ્લાન હેઠળ પ્રથમ વર્ષે વિદેશી એરલાઈન્સ માટે લેન્ડિંગ ફી માફ કરાઈ છે. આ ઉપરાંત, મુસાફરોને આકર્ષવા માટે કેશ વાઉચર્સ પણ આપવામાં આવશે.



