ગુજરાત
શ્રી સ્વામિનારાયણ મંદિર – સરથાણા, સુરતમાં “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:” ગ્રંથની પંચદિવસીય ચાતુર્માસ કથાનો મંગલ પ્રારંભ

- શ્રી સ્વામિનારાયણ મંદિર – સરથાણા, સુરતમાં “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:” ગ્રંથની પંચદિવસીય ચાતુર્માસ કથાનો મંગલ પ્રારંભ
- ભગવાન પ્રત્યેનો અવિચળ વિશ્વાસ, સત્સંગ અને ભક્તિ જીવનને સાચી દિશા અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે.
- મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા, સુરત ખાતે શ્રીજીબાપા સ્વામીબાપા, પ્રેમમૂર્તિ બાપા અને વહાલા આચાર્ય સ્વામીજીની અસીમ કૃપાથી પવિત્ર ચાતુર્માસ નિમિત્તે પંચદિનાત્મક દિવ્ય ‘ચાતુર્માસ કથા’નો ભવ્ય મંગલ પ્રારંભ થયો છે. તા. ૧૨ ઑગસ્ટથી તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૨૬ સુધી યોજાનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં સંત શિરોમણી પૂજ્ય શ્રી જ્ઞાનભૂષણદાસજી સ્વામી વ્યાસાસને બિરાજીને ‘શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ’માંથી પ્રસંગોનું ભાવસભર નિરૂપણ કરી હરિભક્તોને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે.
ચાતુર્માસના પાવન પર્વમાં શરૂ થયેલી આ કથામાં પ્રથમ દિવસે પૂજ્ય જ્ઞાનભૂષણદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણની પોતાના આશ્રિત ભક્તો પ્રત્યેની અહેતુકી કરુણા, કૃપા અને રક્ષાના દિવ્ય પ્રસંગોનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું. જીવનમાં વિવાદ, વિષાદ, પ્રવાસ કે અન્ય કોઈપણ વિષમ પરિસ્થિતિ આવે ત્યારે ભગવાન પોતાના શરણાગત ભક્તોની કેવી રીતે સંભાળ રાખે છે અને તેમની રક્ષા કરે છે તે અંગે સ્વામીજીએ પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માનવજીવનમાં સુખ-દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતા અને અનેકવિધ આધી-વ્યાધિ-ઉપાધિ આવતી રહે છે, પરંતુ ભગવાન પ્રત્યેનો અવિચળ વિશ્વાસ, સત્સંગ અને ભક્તિ જીવનને સાચી દિશા અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. ભગવાનના ચરણોમાં દૃઢ આશ્રય રાખનાર ભક્ત કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ હિંમત, શ્રદ્ધા અને સમભાવ જાળવી શકે છે.
આ પવિત્ર કથાના આગામી દિવસોમાં પણ સંત શિરોમણી શ્રી જ્ઞાનભૂષણદાસજી સ્વામીના વક્તવ્ય દ્વારા હરિભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય ચરિત્રો, ભક્તિ, સત્સંગ અને જીવનઉપયોગી આધ્યાત્મિક બોધનું રસપાન કરાવવામાં આવશે. તા. ૧૨થી ૧૫ ઑગસ્ટ દરમિયાન દરરોજ સાંજે ૭:૦૦થી ૭:૩૦ કલાક સુધી સંધ્યા આરતી તથા નિયમો, ત્યારબાદ ૭:૩૦થી ૮:૦૦ કલાક સુધી મહાપ્રસાદ અને રાત્રે ૮:૦૦થી ૧૦:૦૦ કલાક સુધી દિવ્ય કીર્તનભક્તિ તથા કથાવાર્તાનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૬ ઑગસ્ટના રોજ પારાયણની પૂર્ણાહુતિ છે, આ દિવસે સવારે ૯:૦૦ વાગ્યાથી પારાયણનું વાચન, આરતી, પૂજન-અર્ચન વગરે કાર્યક્રમો યોજાશે. ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. દિવ્ય કથામૃતનો લહાવો લેવા પધારવા સૌ ભાવિક નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – સુરત અને વડોદરાના મહંત સંત શિરોમણિ શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સત્યાનંદદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ હરિપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.



