કવિ નર્મદ મધ્યસ્થ લાઈબ્રેરીમાં સુરત અને ગુજરાતના આઝાદી કાળના સમાચારપત્રોનો અમર ઈતિહાસ સચવાયો છે

કવિ નર્મદ મધ્યસ્થ લાઈબ્રેરીમાં સુરત અને ગુજરાતના આઝાદી કાળના સમાચારપત્રોનો અમર ઈતિહાસ સચવાયો છે
અંગ્રેજ સરકારની અન્યાયી નીતિઓ, સેન્સરશિપ સામે ક્રાંતિકારી પત્રકારત્વથી જંગ છેડાયો હતો
સુરત શહેર ૧૯મી સદીના ઉત્તરાર્ધથી લઈને ૧૯૪૭ સુધી અખબારી પ્રકાશનનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું હતું અને સુરતનો અક્ષર-સંગ્રામ

ભારતના સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ સશસ્ત્ર ક્રાંતિ કે સત્યાગ્રહો પૂરતો સીમિત ન રહેતાં, ‘કલમ’ અને ‘અક્ષર’ વડે ખેડાયેલા વૈચારિક આંદોલનનો પણ સુવર્ણ દસ્તાવેજ છે. ૧૫મી ઓગસ્ટ- સ્વતંત્રતા પર્વ એ આઝાદીના જંગમાં લોકજાગૃતિનું માધ્યમ બનેલા તત્કાલીન સમાચારપત્રો અને દેશદાઝથી ભરેલા પત્રકારોના અવિસ્મરણીય યોગદાનને યાદ કરવાનો પણ વિશેષ અવસર છે.
બ્રિટિશ હકુમત દરમિયાન જ્યારે વાણી અને અભિવ્યક્તિ પર કડક સેન્સરશિપ લાદવામાં આવી હતી, ત્યારે ગુજરાત સહિત સુરતના પત્રકારોએ રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે સમાચારપત્રોને ક્રાંતિનું માધ્યમ બનાવ્યું હતું. સુરત શહેર ૧૯મી સદીના ઉત્તરાર્ધથી લઈને ૧૯૪૭ સુધી અખબારી પ્રકાશનનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. આઝાદી આંદોલન દરમિયાન છાપાઓ માત્ર સમાચાર આપવાનું કામ નહોતા કરતા, પરંતુ દેશવાસીઓને એકજૂટ કરવા અને અંગ્રેજ સરકારની અન્યાયી નીતિઓ ખુલ્લી પાડવાનું પણ માધ્યમ હતા.
મહાત્મા ગાંધીજી દ્વારા શરૂ કરાયેલા ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ જેવા પત્રોએ દેશભરમાં સ્વદેશી, સત્યાગ્રહ અને અહિંસાના વિચારો પહોંચાડ્યા હતા. આ પત્રોના લેખો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં ઘરે-ઘરે વંચાતા હતા.
કવિ નર્મદ દ્વારા શરૂ કરાયેલા ‘ડાંડિયો’ પત્રથી સુરતમાં જે મુક્ત અને નિર્ભિક પત્રકારત્વના બીજ રોપાયા હતા, તેણે આઝાદી કાળમાં વધુ મજબૂત રૂપ ધારણ કર્યું હતું. સાથે અન્ય સ્થાનિક સાપ્તાહિકોએ બ્રિટિશ નીતિઓ સામે સતત અવાજ ઉઠાવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીના રેફરન્સ અને આર્કાઇવ્સ વિભાગમાં ૧૯૨૩થી ૧૯૫૦ સુધીના સમયગાળાના મૂળ સમાચારપત્રોમાં ૧૯૪૭થી ૧૯૫૦નું પ્રભાકર, ૧૯૩૬થી ૧૯૪૬ સુધીના સમયનું ડાંડિયો, ૧૯૨૬થી ૧૯૩૧ સુધીનું ગાંડિવ સમાચારપત્રો સંગ્રહિત છે. તેમજ ગાંધીજીનું ૧૯૩૧થી ૧૯૪૮ના સમયનું હરિજનબંધુ સમાચાર સચવાયું છે. ૧૯૩૩થી ૧૯૩૭ના સમયનું લોકવાણી અને ૧૯૨૩થી ૧૯૨૫ના સમયનું તોપ સહિતના આ દૂર્લભ સમાચારપત્રોની મૂળ નકલો અને બાઇન્ડ વોલ્યુમ્સ આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ૧૫મી ઓગસ્ટ પૂર્વે નવી પેઢી આ ઐતિહાસિક પાનાઓ દ્વારા આઝાદીના વાસ્તવિક સંઘર્ષને સમજી શકે તે માટે આ દસ્તાવેજો અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે.
૧૯૨૮ના પ્રખ્યાત બારડોલી સત્યાગ્રહ દરમિયાન દેશભરના સમાચારપત્રોએ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ અને ખેડૂતોની લડતને આક્રમકતાથી છાપી હતી. બ્રિટિશ સરકારે સત્યાગ્રહના સમાચાર છાપવા પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ગુપ્ત રીતે બુલેટિન અને પત્રિકાઓ છાપીને પ્રજા સુધી સાચી વિગતો પહોંચાડવામાં આવતી હતી.
અંગ્રેજ સરકારે દેશપ્રેમી અખબારોનો અવાજ દબાવવા માટે ‘પ્રેસ એક્ટ’ હેઠળ ભારે દંડ, પ્રેસ જપ્તી અને તંત્રીઓની ધરપકડ જેવા કડક પગલાં લીધા હતા. છતાં પત્રકારો અને છાપકામ કરનારાઓએ જેલવાસ વેઠીને પણ અખબારોનું પ્રકાશન ચાલુ રાખ્યું હતું. જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ સીલ કરી દેવાતા, ત્યારે ક્રાંતિકારી યુવાનો સાયક્લોસ્ટાઈલ મશીનો કે હાથથી લખેલી પત્રિકાઓ દ્વારા રાત્રિના સમયે સમાચાર વહેંચતા હતા.



