સ્પોર્ટ્સ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વેડ રોડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: ૧૦૪૦ વિદ્યાર્થીઓ અને ૧૭૦ શિક્ષકો યોગમય બન્યા

- શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વેડ રોડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: ૧૦૪૦ વિદ્યાર્થીઓ અને ૧૭૦ શિક્ષકો યોગમય બન્યા
- યોગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતામાં વૃદ્ધિ: સ્વસ્થ સમાજ, સંતુલિત મન અને સમૃદ્ધ જીવન માટે યોગ એક માત્ર ઉપાય: યોગદર્શન સ્વામી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૈમિષારણ્ય ક્ષેત્રમાં ૧૦૪૦ વિદ્યાર્થીઓ અને ૧૭૦ શિક્ષકમિત્રોએ એકસાથે શિસ્તબદ્ધ યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં પ્રખર યોગ ગુરુ પૂજ્ય યોગદર્શન સ્વામીજીના સાનિધ્યમાં વિદ્યાર્થીઓએ એકાગ્રતા, શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા.યોગદર્શન સ્વામીજીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, યોગ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક તણાવ ઘટાડવામાં અકસીર ભૂમિકા ભજવે છે. યોગ ભારતની પ્રાચીન ઋષિ પરંપરાનું અમૂલ્ય જ્ઞાન છે. સ્વસ્થ સમાજ, સંતુલિત મન અને સમૃદ્ધ જીવન માટે યોગ એક માત્ર ઉપાય છે. યોગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતામાં વૃદ્ધિ કરે છે. યોગ ભગાવે રોગ એ કહેવત અનુસાર સ્વસ્થ અને ચુસ્ત દુરસ્ત રહેવા માટે રોજ સવારે યોગ કરવા જોઈએ.આ પ્રસંગે ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી, સમાજ અગ્રણી ડૉ. ભાવિનભાઈ શિરોયાએ વિદ્યાર્થીઓને નિયમિત યોગ દ્વારા સશક્ત મન અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક અને યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ વિજેતા, ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી શ્રી શુભમ પટોળિયાએ પોતાના અનુભવો રજૂ કરી યોગને જીવનનો હિસ્સો બનાવવાનો સંદેશ આપ્યો હતો.
ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા ‘યોગ’ને વિશ્વસ્તરે સ્વીકૃતિ અપાવવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા: શ્રી પ્રભુ સ્વામી
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ યોગના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ ૧૨ વર્ષની વયે ગોપાળાનંદ સ્વામી પાસે યોગાભ્યાસ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિના આ અમૂલ્ય વારસાને વિશ્વસ્તરે સ્વીકૃતિ અપાવવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મહત્વની ભૂમિકા રહી છે. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન દ્વારા કરાયેલી દરખાસ્તને ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૧૯૩ દેશોના અભૂતપૂર્વ સમર્થન સાથે મંજૂરી મળી હતી, જેના પરિણામે આજે વિશ્વના ૧૯૨ દેશોમાં ૨૧ જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવાય છે.



