11 ડીસેમ્બર, “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”
11 ડીસેમ્બર, “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”
વર્ષ 2003થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 11 ડીસેમ્બરનાં દિવસને “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો તમામ પ્રકારનાં પર્વતો મહત્વનાં છે પછી ભલે તે બરફ આચ્છાદિત હોય કે સંપૂર્ણ લીલોતરીથી મહેકતા હોય. દરેકે દરેક પ્રકારનાં પર્વતોમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ વસે છે. પશુ, પક્ષી, પ્રાણીઓથી લઈને વિવિધ વનસ્પતિ અને માનવી પણ ઘણા ચોક્કસ પહાડી પ્રદેશોમાં રહે છે. વળી જે લોકો ત્યાં રહેતા નથી તો એ જગ્યાનો, માહોલનો આનંદ માણવા માટે પણ પહાડો પર થોડા દિવસો માટે રહેવા જાય છે. પર્વતો પર રહેલી કુદરતી હવા, પ્રદુષણ રહિત માહોલ સૌને આનંદ આપે છે.જેવી રીતે ટ્રાવેલ ટુરીઝમ વધ્યું છે તેમ તેમ લોકો અન્ય વિસ્તારોમાં ફરવા કરતાં પર્વતો પર જઇને પોતાનાં રજાના દિવસો વિતાવવાનું વધારે પસંદ કરે છે પછી ભલે તે કોઈ યાત્રાધામ હોય, હિમાચલ પ્રદેશ હોય, બરફીલા પ્રદેશો હોય કે દક્ષિણમાં આવેલા લીલોતરીથી સજ્જ પર્વતો હોય. બધે જ રજાનાં દિવસોમાં કે વેકેશનમાં ભીડ જોવા મળે છે.
પશુ, પક્ષીઓ માટે પર્વતો વિશેષ મહત્વ ધરાવે છે. પર્વતો પર ઘણા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે આશ્રય મળે છે. તે તેમને શિકારી પ્રાણીઓથી બચાવે છે. પર્વતોમાં ઘણા નદીઓ અને ઝરણાઓ વહે છે, જે પ્રાણીઓ અને પક્ષીઓને પીવાનું પાણી પ્રદાન કરે છે. આ જળ સ્ત્રોત તેમના જીવન માટે મહત્વપૂર્ણ છે. પર્વતોમાં વિભિન્ન જાતનાં વૃક્ષો, છોડ ઉગે છે, જે પ્રાણીઓ અને પક્ષીઓ માટે આહાર તરીકે ઉપલબ્ધ બને છે. પર્વતોમાં જુદા જુદા સ્થળે તાપમાન વિવિધ હોઈ શકે છે, જે પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ પર્યાવરણ આપે છે. અહિ મુખ્ય બાબત એ છે કે કુદરતી રીતે નિર્માણ થયેલા એવા પર્વતો પર જરૂર કરતા વધુ માનવ વસાહત થતા, હવા, પાણી, જમીનનું પ્રદુષણ વધ્યું છે. ઉપરાંત નોઈસ અને લાઈટ પોલ્યુશન પણ વધારાના ઉમેરાયા છે. આવામાં પર્વતો પર રહેતી વન્ય જીવસૃષ્ટિનું શું ? જો માનવ બધે જ પોતાનું અસ્તિત્વ જમાવશે તો પ્રાણીઓનું શું ? હા એ વાત સાચી કે પર્વતો પર જીવન ગુજારતા કેટલાક લોકો માટે આવકનું સાધન બનવા તેમજ ઇકોનોમી મેઈન્ટેનઇન રાખવા માટે ટ્રાવેલ ટુરીઝમ જરૂરી છે, પરંતુ તેને લગતા અમુક ચોક્કસ કડક નિયમો તો હોવા જ જોઈએ. જેથી કુદરતી સંસાધનોનું રક્ષણ થઈ શકે.