૮૨ વર્ષના દાદી નિર્મલાબેન અને ૨૪ વર્ષના પૌત્ર કૃતિકે ઉત્સાહભેર મતદાન કરી અન્ય લોકોને મતદાનની પ્રેરણા આપી
૮૨ વર્ષના દાદી નિર્મલાબેન અને ૨૪ વર્ષના પૌત્ર કૃતિકે ઉત્સાહભેર મતદાન કરી અન્ય લોકોને મતદાનની પ્રેરણા આપી
લોકોએ નૈતિક ફરજ સમજીને સમયાંતરે આવતી ચુંટણીઓમાં મતદાન કરી લોકશાહીના ચુંટણી પર્વની ઉજવણી કરવી જોઈએ: નિર્મલાબેન બાદશાહ
સુરતઃમંગળવારઃ નવસારી સંસદીય બેઠકની ચૂંટણી અંતર્ગત ઉધના ખાતે આવેલી ઉધના સિટીઝન કોમર્સ કોલેજના મતદાન કેન્દ્રમાં ઉધનાના બાદશાહ પરિવારના દાદી-પૌત્રએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ઉધના હરિનગર-૨માં પરિવાર સાથે રહેતા ૮૨ વર્ષના નિર્મલાબેન બાદશાહે આજ સુધીની મહત્તમ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવારજનો સાથે મત આપવા માટે આવે છે. તેમની સાથે આવેલા ૨૪ વર્ષીય પૌત્ર કૃતિક બાદશાહે પણ જીવનનું બીજુ મતદાન કર્યું હતું. આ પહેલાં તેણે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં દાદી સાથે જ મતદાન કરવાં ગયો હતો.
દાદી નિર્મલાબેન બાદશાહે ઉત્સાહથી પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, લોકોએ નૈતિક ફરજ સમજીને સમયાંતરે આવતી ચુંટણીઓમાં મતદાન કરી લોકશાહીના ચુંટણી પર્વની ઉજવણી કરવી જોઈએ. દાદી-પૌત્રએ મતદાન કરવાનો હર્ષ વ્યક્ત કરી તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા આગ્રહ કર્યો હતો.