દેશના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી અંબાણી કરતાં આગળ નીકળ્યા!
દેશના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી અંબાણી કરતાં આગળ નીકળ્યા!
₹.11.6 લાખ કરોડની નેટવર્થ સાથે સૌથી ધનિક ભારતીય
દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડ્યા છે. ₹. 11.61 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ દેશના ધનિકોની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 2024 ની હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ગૌતમ અદાણીએ સૌથી ધનવાન ભારતીય બન્યા છે.
હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે 95 ટકા વધી હતી. આ યાદીમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ 10.14 લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી અને તેઓ આ યાદીમાં બીજા ક્રમે છે. હુરુન ઈન્ડિયાની એક રીલીઝ મુજબ અમીરોની યાદીમાં સમાવિષ્ટ તમામ વ્યક્તિઓ અને પરિવારોની સંપત્તિની ગણતરી 31 જુલાઈ, 2024ના રોજ લીધેલા સ્નેપશોટ આધારિત છે.
નોંધનીય છે કે, યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા વિવિધ આરોપોને પગલે અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો હતો. પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષે ભારતમાં દર પાંચ દિવસે એક અબજોપતિ પેદા થયા છે અને 2023માં દેશમાં 259 અબજપતિ હતા, જ્યારે હવે તેમની સંખ્યા વધીને 334 થઈ ગઈ છે.
હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય રિસર્ચર અનસ રહેમાન જુનૈદ જણાવે છે કે, “ભારત એશિયાના સંપત્તિ સર્જન એન્જિન તરીકે ઉભરી રહ્યું છે…!” તેમણે ઉમેર્યુ હતું કે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે, જ્યારે ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે.
HCL ટેક્નોલોજિસના શિવ નાદર અને તેમનો પરિવાર આ વર્ષના અમીરોની યાદીમાં ત્રીજા ક્રમે છે, તેમની કુલ સંપત્તિ 3.14 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ યાદીમાં ચોથા સ્થાને પૂનાવાલા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) પરિવારના સાયરસ એસ પુનાવાલા અને પાંચમા સ્થાને ₹ 2.49 કરોડની સંપત્તિ સાથે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના દિલીપ સંઘવી સામેલ છે.
આ વર્ષે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં કુલ 1,539 લોકો સામેલ થયા છે, જેમની કુલ સંપત્તિનું મૂલ્ય ₹ 1,000 કરોડથી વધુ છે. 1,539નો આ આંકડો ગયા વર્ષ કરતાં 220 વધુ છે. રિચ લિસ્ટ 2024માં પહેલીવાર 272 લોકોના નામ નોંધાયા છે. આ વર્ષે ₹ 1,000 કરોડથી વધુની સંપત્તિના માલિકોની સંખ્યા પ્રથમ વખત 1,500નો આંકડો વટાવી ગઈ છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 86 ટકાનો વધારો થયો છે.
રિચ લિસ્ટ 2024માં 18 લોકોની કુલ સંપત્તિ ₹. 1 લાખ કરોડથી વધુ છે. ગયા વર્ષે આ આંકડો 12 હતો, અને 10 વર્ષ પહેલાં હુરુન ઈન્ડિયાની યાદીમાં ફક્ત બે જ લોકોની કુલ સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.