16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”

16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”
કેપ્ચર એવરીથિંગ, ડીકલેર મેનીથીંગ, હાઈડ નથીંગ
આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શન, ડીજીટલ મીડિયા તેને મુદ્રણ તથા દ્રશ્ય – શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પત્રકારત્વને (press) લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ ઓળખવામાં આવે છે અને પત્રકારત્વ એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય પણ ગણવામાં આવે છે. 16 નવેમ્બર, 1966થી ભારતીય પ્રેસ પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ ઉજવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે.
લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની સૌ કોઈ નાગરીકને છૂટ હોય છે, પરંતુ આજે આ અધિકાર મીડિયા પાસેથી ક્યાંક ક્યાંક છીનવાઈ ગયો હોય એવું નથી લાગતું ? ‘પત્રકારત્વ’ એ ફક્ત નામ જ નહી પરંતુ આખો ઈતિહાસ છે. આજે આઝાદીનાં 78 વર્ષ પૂરા થયા છે ત્યારે દેશને મળેલી સ્વતંત્રતામાં પત્રકારત્વનો મોટો ફાળો રહ્યો છે તે ભૂલી શકાય તેમ નથી. ગાંધીજી હોય, ઝવેરચંદ મેઘાણી હોય, અમૃતલાલ શેઠ, કરસનદાસ મૂળજી હોય કે પછી લાલ, બાલ, પાલની ત્રિપુટી કે દેશનાં સર્વ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય સૌ કોઈ એ પત્રકારત્વ થકી જ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. સંપૂર્ણ નિષ્ઠાથી દેશને જાગૃત કરવાનું કામ પત્રકારત્વ એ જ કર્યું છે, પરંતુ આજે મિશનમાંથી થોડા ઘણા અંશે કોર્પોરેટ બનેલા પત્રકારત્વમાં પણ વાણી સ્વતંત્રતા કેટલે અંશે જળવાઈ રહી છે તે એક મોટો પ્રશ્ન છે. પત્રકારોને બાહ્ય પરિબળો ઉપરાંત મીડિયાના આંતરિક પરિબળો પણ ઘણી વખતે નિષ્ઠાપૂર્વક કામ કરવાથી કે પછી સત્યને છતો કરવાથી રોકતા હોય છે. મીડિયા એ સમાજનો અરીસો છે અને અરીસો જ જો સત્ય નહીં બતાડે તો શું થાય ? અંતે તો જર્નાલિઝમમાં જે વાત છુપાવવામાં આવતી હોય તે જ ન્યુઝ હોય, બાકી બધું તો એડવર્ટાઈઝમેન્ટ જ છે. વર્તમાન સમયમાં ડીજીટલ મીડિયા પણ ઘણું વિકસ્યું છે જ્યાં સારા, ખરાબ, સાચા કે ખોટા સમાચારો ઘણા આવતા હોય છે. અત્યારના ‘નેટ વર્લ્ડ’માં ઘણી બધી ઘટનાઓ કે વાતોને લઇને જે સમાચારો ફેલાતા હોય છે તેમાં કુદરતી આફત કે માનવ સર્જીત વિષય ઉપર જ્યારે પ્રેસ પ્રસિદ્ધિ કરતા હોય ત્યારે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તે માટેની ચોક્કસાઈ રાખવી પ્રેસ/મીડિયા માટે અત્યંત આવશ્યક બની જાય છે.