સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટમાં દારૂ સાથે ખમણ, થેપલાનીં જ્યાફત

સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટમાં દારૂ સાથે ખમણ, થેપલાનીં જ્યાફત
સુરત એરપોર્ટથી બેંગકોક રવાના થયેલી પહેલી ફ્લાઇટનાં વીડિયો વાઇરલ
સુરતનાં નાગરિક ઉડ્ડયન માટે ૨૦મી ડિસેમ્બર ૨૦૨૪ને શુક્રવારનો દિવસ સોનેરી સૂરજ લઇને ઉગ્યો હતો. સુરત એરપોર્ટની ડેસ્ટિનેશન મુજબ ૩જી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં સ્વરૂપમાં બેંગકોકની ફ્લાઇટે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં રન-વે પરથી ટેકઓફ કર્યું હતું. ટેકઓફ પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ તરફથી સુરત એરપોર્ટ ખાતે સેલિબ્રેશનની ખાસ્સી વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતથી પહેલી ફ્લાઇટમાં બેંગકોકનાં સુવર્ણભૂમિ એરપોર્ટ પર જઈ રહેલા મુસાફરો પણ ખાસ્સા રોમાંચિત હતા.
એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ચેન્નઇથી ઉપડ્યું હતું અને સુરત લેન્ડ થયું ત્યારે જાણે સુરત એરપોર્ટ પર ઉપસ્થિત મુસાફરોમાં અનેરો આનંદ વ્યાપી ગયો હતો. ૧૭૬ સીટના વિમાનમાં ૧૭૬ મુસાફરો સુરતથી સીધા બેંગકોક જઇ રહ્યા હતા. આખી ફ્લાઇટ હાઉસફુલ થઇ અને પ્લેન રવાના થયું હતું. અંદાજે સાડાચાર કલાક બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન બેંગકોકનાં સુવર્ણભૂમિ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એ પછી ફ્લાઇટ દરમિયાન વિમાનની અંદર સુરતી મુસાફરોએ જે પ્રકારની મજા માણી તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા હતા અને તેના કરતા વધારે ફાસ્ટ વાઇરલ પણ થઇ ગયા હતા.
સુરતથી બેંગકોકની પહેલી સીધી ફ્લાઇટમાં સુરતી મુસાફરોએ સુરતીઓની સૌથી પ્રિય વાનગી વઘારેલા ખમણ, સેવ, લોચો જેવો નાસ્તો સાથે લીધો હતો અને તેનો આનંદ વિમાનમાં માણ્યો હતો. કેટલાક મુસાફરોએ થેપલા અને અથાણું અને કેટલાકે તો દારૂ અને શૂટરીયા (૧ પેગની બોટલ) પણ ખોલી કાઢી હતી. એર ઇÂન્ડયા એક્સપ્રેસની બેંગકોકની ફ્લાઇટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોઇ તેમા લિકર-વાઇનની મંજૂરી હોય છે, એવું પણ જાણવા મળે છે કે ફ્લાઇટમાંથી પણ એ ખરીદી શકાય છે. સુરતી મુસાફરોએ બેંગકોકની ફ્લાઇટમાં અસ્સલ સુરતી મોજ માણી હતી અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા જે ખાસ્સા વાઇરલ થયા હતા. બેંગકોક આવે તે પહેલાં તો એરલાઇન્સ પાસે દારૂ અને નાસ્તો પણ ખૂટી પડ્યાનું જાણવા મળ્યું હતું.
બીજી તરફ એવી પણ માહિતી મળી કે પહેલા દિવસની ફ્લાઇટ હાઉસફુલ ગયા બાદ હવે પછીની ફ્લાઇટનાં બુકિંગમાં પણ ઉછાળો આવ્યો છે. એર ઇÂન્ડયા એક્સપ્રેસની સુરત બેંગકોકની ફ્લાઇટ સોમ, બુધ, શુક્ર અને રવિ એમ સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થવાની છે. આગામી રવિવારની ફ્લાઇટ માટે પણ ૯૦ ટકા જેટલી સીટ બુક થઇ ચૂકી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પ્રથમ બેંગકોક-સુરત ફ્લાઇટ હતી. કેટલાક થાઇ નાગરિકોએ ઇ-વીસા સાથે સુરત માટે ટિકિટ બુક કરી હતી, પરંતુ એરલાઇનોએ તેમને એવા એરપોર્ટમાંથી પ્રવાસ કરવાની સલાહ આપી જ્યાં ઇ-વીસા સુવિધા ઉપલબ્ધ છે. સુરત એરપોર્ટ હાલમાં ઇ-વીસા સ્વીકારતું નથી. જેના કારણે થાઇ અને અન્ય વિદેશી પ્રવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે. બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા ઇ-વીસા સુવિધા મંજૂર કરવામાં આવી છે. પરંતુ તે ચાલુ કરવા માટે જગ્યા ફાળવણીની રાહ જાવાઇ રહી છે.