સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તૂટવાની અણીએ

સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તૂટવાની અણીએ
કોહલીએ વનડે ક્રિકેટમાં ૧૪ હજાર રન પૂરા કરવાથી માત્ર ૯૪ રન દૂર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે કટકમાં યોજાનાર બીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્માના ફોર્મની સાથે સાથે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ફિટનેસ પર પણ નજર રહેશે. કોહલી જમણાં ઘુંટણમાં સોજાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેથી ૧૯ ફેબ્રુઆરીએ શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની ફિટનેસને લઈને ચિંતાના વાદળો ઘેરાયેલા છે.
ભારતે નાગપુરમાં રમાયેલી પહેલી વનડેમાં ચાર વિકેટથી જીત નોંધાવીને ૩ મેચની સિરિઝમાં લીડ મેળવી લીધી છે અને તેનું લક્ષ્ય પોતાનું વિજય અભિયાન યથાવત રાખી સિરીઝ જીતવાનું રહેશે. કોહલી જા ફિટ થઈને ટીમમાં વાપસી કરે છે, તો તેના ફોર્મ પર પણ નજર હશે. કેમ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન પછી કોહલીએ દિલ્હી તરફથી એક રણજી મેચ પણ રમી, પરંતુ આ મેચમાં પણ તે માત્ર ૬ રન બનાવી શક્યો હતો, પરંતુ કોહલીએ વનડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે આ ફોર્મેટમાં ૧૪ હજાર રન પૂરા કરવાથી માત્ર ૯૪ રન દૂર છે. જા આ તે આ સિદ્ધિ મેળવી લેશે તો તે સચિન તેંડુલકર (૧૮,૪૨૬) અને કુમાર સંગાકારા (૧૪,૨૩૪) પછી અહીં સુધી પહોંચનાર દુનિયાનો ત્રીજા, પરંતુ સૌથી ઝડપી બેટ્સમેન બની જશે. સચિને ૧૪ હજાર રન ૩૫૦ ઇનિંગમાં બનાવ્યાં હતા. જ્યારે કોહલી હજુ સુધી માત્ર ૨૮૩ ઇનિંગ જ રમ્યો છે.