મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા તથા શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા તથા શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
શાળામાં વિદ્યાર્થીઓ સુવિધા માટે ડોમ બનાવવા વાલીઓએ ઉદાર દિલે 8,00,000 રૂપિયાનું માતબર યોગદાન આપ્યું
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે બાલવાટિકા તથા પહેલા ધોરણમાં નવા પ્રવેશ પામેલ બાળકો માટે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નાના વરાછામાં આવેલ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીસાહેબ તથા શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી રાકેશભાઈ ભિકડિયા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને કુમકુમ પગલાં તથા શૈક્ષણિક કિટ અર્પણ કરી વિધિવત શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ તબક્કે શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી રાકેશભાઈ ભિકડિયાએ સમિતિ દ્વારા કરવામાં આવેલ વિશેષ કામોની ઝાંખી ઉપસ્થિત વાલીઓ સમક્ષ રજૂ કરી હતી તથા આવનાર સમયમાં બાળકો માટે શિક્ષણ સમિતિ કયા નવા આયામો લઈને આવી રહી છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ પોતાના ઉદબોધનમાં શિક્ષણ ક્ષેત્રે સુરત કેટલી હરણફાળ કરી રહ્યું છે તેની માહિતી આપી હતી. આવનાર સમયની અંદર સુમનશાળાઓની અંદર જુદી જુદી સુવિધાઓ ઊભી થશે ઉપરાંત નવી સુમન શાળાઓ બનાવવાનું પણ આયોજન તેમણે જણાવ્યું હતું. સાથે વાલીઓ મોબાઇલના વળગણથી દૂર રહે તેવી મીઠી ટકોર પણ કરી હતી. આ સાથે હાજર સભ્યોએ શાળા ભવન તથા શાળાની સુવિધાનું પણ નિરીક્ષણ કર્યું હતું. શાળામાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવીને મેયર શ્રીએ હજુ પણ વધુ સુવિધાઓ શાળામાં થાય તેવો વાલીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની જેમ આહ્વાન કર્યું હતું. આજ પ્રવેશોત્સવના અવસરે હાજર મહાનુભવો તથા વાલીશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મેયરશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના વિકાસમાં સહયોગ આપવા બદલ વાલીઓને ધન્યવાદ આપવામાં આવ્યા.