તંત્રની ઘોર બેદરકારી: ₹૫૭ કરોડના ખર્ચે બનતો સાધલી-કાયાવરોહણ-પોર રોડ ૬ મહિનાથી અધ્ધરતાલ, જનતા ધૂળ ફાકવા મજબૂર

તંત્રની ઘોર બેદરકારી: ₹૫૭ કરોડના ખર્ચે બનતો સાધલી-કાયાવરોહણ-પોર રોડ ૬ મહિનાથી અધ્ધરતાલ, જનતા ધૂળ ફાકવા મજબૂર
ખાતમુહૂર્તના છ મહિના બાદ પણ ડામરના ઠેકાણા નથી; ધૂળના ગોટેગોટાથી વાહનચાલકો અને ખેડૂતોના હાલ બેહાલ, વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ
વડોદરા/કરજણ:
રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે કરોડોના ખર્ચે રસ્તા મંજૂર કરવામાં આવે છે, પરંતુ તંત્રની આળસ અને નેતાઓની ઉદાસીનતાને કારણે આ સુવિધા જનતા માટે આશીર્વાદને બદલે અભિશાપ બની રહી છે. સાધલીથી કાયાવરોહણ અને પોર સુધીનો અંદાજે ₹૫૭ કરોડના ખર્ચે બની રહેલો રસ્તો છેલ્લા ૬ મહિનાથી ખોદાયેલી હાલતમાં પડ્યો છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


૬ મહિના પહેલા થયું હતું ખાતમુહૂર્ત
ઉલ્લેખનીય છે કે, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આસો નવરાત્રીના પ્રથમ નોરતે ધારાસભ્ય અક્ષય પટેલ અને ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા આ માર્ગને ૭ મીટરથી વધારીને ૧૦ મીટર પહોળો કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે ચૈત્ર નવરાત્રી પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ડામર કામ તો દૂરની વાત છે, પરંતુ રસ્તા પર ઉડતી ધૂળ ડામવા માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.
સંકલનનો અભાવ અને વન વિભાગની આડખીલી
આશ્ચર્યની વાત એ છે કે રસ્તાની વચ્ચે હજુ પણ ઘટાદાર વૃક્ષો અને વીજળીના થાંભલા ઊભા છે. નિયમ મુજબ માર્ગ પહોળો કરતા પહેલા વન વિભાગ સાથે સંકલન કરી વૃક્ષો કાપવાના હોય છે, પરંતુ સરકારી વિભાગો વચ્ચેના તાલમેલના અભાવે કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. આ બેદરકારીને કારણે આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, જે હવે વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સમાન બની ગયો છે.
નેતાઓ એસી ગાડીમાં, જનતા ધૂળમાં!
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા નીકળતા નેતાઓ અત્યારે ક્યાંય દેખાતા નથી. કલર કાચવાળી એસી ગાડીઓમાં ફરતા નેતાઓને ધૂળ નડતી નથી, પરંતુ દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ખેતરોમાં ઊભા પાક પર ધૂળની ચાદર પથરાઈ ગઈ છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે.



