સુવિધાઓનો અભાવ છતાં અતૂટ શ્રદ્ધા: વ્યાસેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર સામે સુવિધા વધારવા માંગ

સુવિધાઓનો અભાવ છતાં અતૂટ શ્રદ્ધા: વ્યાસેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર સામે સુવિધા વધારવા માંગ

શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે વ્યાસબેટ પર શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિરે અપૂર્તિ વ્યવસ્થા હોવા છતાં પણ સોમવતી અમાસે શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં સ્નાન કરી વ્યાસેશ્વર મહાદેવ ના દર્શન કર્યા.
બરકાલ ગામ પાસે નર્મદા નદી વચ્ચે શ્રી વ્યાસેશ્વર મહાદેવનું એક માત્ર સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. રસ્તાની વિટંબણા હોવા છતાં સોમવતી અમાસના પાવન અવસરે દ્વારકા ,વડોદરા, ભરૂચ ,સુરત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં.શ્રદ્ધાળુઓએ સૌ પ્રથમ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું.ત્યારબાદ શ્રીવ્યાસેશ્વર મહાદેવ ના દર્શન – પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.મંદિરે પ્રસાદીનો પણ લાભ લીધો હતો.
વ્યાસબેટ ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે મંદિર પરિસરમાં સંરક્ષણ દિવાલ, સંડાસ-બાથરૂમ, ચેન્જિંગ રૂમ તેમજ મંદિરની ફરતે કોટા પથ્થર બિછાવવાની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે, બરકાલ ગામથી વ્યાસબેટ સુધી માર્ગની સુવિધા ના હોવાના કારણે શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિ રોકાણ માટે હોલની સુવિધાનો અભાવ હોવાથી નર્મદા પરિક્રમા માટે આવતા યાત્રિકોને અગવડતા ભોગવવી પડે છે. મંદિર પરિસરમાં આવેલ ટ્યુબવેલ જર્જરિત હાલતમાં હોવાથી પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ રહી છે. મોટી પાણીની ટાંકી સહિતની આવશ્યક સુવિધાઓ ઉભી કરવા અને માર્ગ સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારી તંત્ર જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ઉઠી છે. મંદિરના પૂજારી હર્ષદભાઈ પુરોહિત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે.



