વૈશ્વિક સોલાર માર્કેટમાં ગુજરાતની અદાણી સોલારનો ડંકો: દુનિયામાં છઠ્ઠું અને ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું

વૈશ્વિક સોલાર માર્કેટમાં ગુજરાતની અદાણી સોલારનો ડંકો: દુનિયામાં છઠ્ઠું અને ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું
ગુજરાતની અદાણી ગ્રુપની કંપની ‘અદાણી સોલાર’ (Adani Solar) વૈશ્વિક સ્તરે મોટું ગૌરવ મેળવ્યું છે. ઉર્જા ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા વૂડ મેકેન્ઝી (Wood Mackenzie) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરાયેલા વૈશ્વિક સોલાર મોડ્યુલ ઉત્પાદકોના રેન્કિંગમાં અદાણી સોલાર દુનિયામાં છઠ્ઠા ક્રમે આવી છે.
ઊર્જા સંશોધન અને કન્સલ્ટન્સી ફર્મ વૂડ મેકેન્ઝી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કંપનીએ અગાઉના રેન્કિંગમાં આઠમા સ્થાનેથી સુધારો કર્યો છે અને તે વૈશ્વિક ટોપ ૧૦માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય ઉત્પાદક કંપની છે.
વૂડ મેકેન્ઝીએ દુનિયાભરના ૪૮ અગ્રણી મોડ્યુલ ઉત્પાદકોની નાણાકીય સ્થિતિ, આધુનિક ટેકનોલોજી, કાચા માલની સપ્લાય ચેઈન અને કામગીરીની મજબૂતાઈના આધારે મૂલ્યાંકન કર્યું હતું. આ પરીક્ષણમાં અદાણી સોલારને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘ગ્રેડ એ’ (Grade A) રેટિંગ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કંપનીને બ્લૂમબર્ગ તરફથી પણ ટિયર-૧ (Tier-1) રેટિંગ મળેલું છે.
ગુજરાત માટે સૌથી ગર્વની વાત એ છે કે અદાણી સોલાર તેના કચ્છના મુંદ્રા ખાતે આવેલા પ્લાન્ટનો રેકોર્ડબ્રેક વિકાસ કરી રહી છે. કંપની આ સંકલિત પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને ૧૦ ગીગાવોટ (GW) કરવાના અંતિમ તબક્કામાં છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે સોલાર પેનલ બનાવવા માટેના ઈન્ગોટ્સ અને વેફર્સથી લઈને ફિનિશ્ડ મોડ્યુલ સુધીનું આખું ઉત્પાદન એક જ જગ્યાએ થાય છે.
આ સિદ્ધિ ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના સપનાને વેગ આપે છે. દેશની સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા વર્ષ ૨૦૧૪માં માત્ર ૨.૫ ગીગાવોટ (GW) હતી, જે આજે વર્ષ ૨૦૨૬માં વધીને ૧૭૦ ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. સોલાર ક્ષેત્રે ભારત હવે અમેરિકાને પાછળ છોડીને દુનિયાનું બીજા નંબરનું સૌથી ઝડપથી વિકસતું માર્કેટ બની ગયું છે.
ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સોલાર બજારોમાંનું એક બની ગયું છે, જેણે ૨૦૨૫માં વાર્ષિક સોલાર ક્ષમતાના ઉમેરામાં યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ને પણ પાછળ છોડી દીધું છે. દેશે તેના સ્વચ્છ ઊર્જા અને આબોહવા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ૧૫૫ ગીગાવોટથી વધુ સોલાર પાવર ક્ષમતા સ્થાપિત કરી છે.



