પીએમ શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના સ્થાપના દિનની વિદ્યારંભ સંસ્કાર સાથે ઉજવણી કરવામાં આવી

પીએમ શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના સ્થાપના દિનની વિદ્યારંભ સંસ્કાર સાથે ઉજવણી કરવામાં આવી
શાળામાં દર વર્ષે સ્થાપના દિનની ઉજવણી વિદ્યારંભ સંસ્કાર સાથે કરવામાં આવે છે. આ વર્ષે પણ બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકો અને તેમના વાલીઓ માટે વિદ્યારંભ સંસ્કારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી પોતાનાં બાળકોને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્યારંભ સંસ્કારનું પૂજન કરાવ્યું હતું. સોળ સંસ્કાર પૈકીના આ એક મહત્વપૂર્ણ સંસ્કારનું આયોજન શાળામાં દર વર્ષે સ્થાપના દિને કરવામાં આવે છે.
આ પ્રસંગે ગોરબાપા શ્રી રવિભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સરસ્વતી પૂજન તથા ગણપતિ પૂજન કરાવી વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાવવામાં આવી હતી. સાથે જ જીવનમાં આ સંસ્કારનું શું મહત્ત્વ છે, તેનું પણ સુંદર જ્ઞાન આપવામાં આવ્યું હતું.
શાળાના જન્મદિનને અનોખી રીતે ઉજવવા માટે કેક અને મીણબત્તીના સ્થાને ભારતીય પરંપરા મુજબ લાડુનો એક વિશાળ મોદક બનાવવામાં આવ્યો હતો. પશ્ચિમી ઢબે કેક કાપવાને બદલે આ પરંપરાગત લાડુ વડે જ શાળાના વડીલ શિક્ષકો દ્વારા નવા પ્રવેશ પામેલા બાળકોનું મોં મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં અન્ય બાળકોને પણ તેનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાને બદલે વૈદિક પરંપરા તરફ પાછા ફરવાનો આ અનુભવ શાળાના સ્થાપના દિને સૌ માટે યાદગાર બની રહ્યો હતો. શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના યોગ્ય માર્ગદર્શન હેઠળ સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.



