સંતોકબા માનવરત્ન એવોર્ડના ૨૦ વર્ષ સંપન્ન : દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત

સંતોકબા માનવરત્ન એવોર્ડના ૨૦ વર્ષ સંપન્ન : દેશમાં માનવતાવાદી અને સામાજિક પરિવર્તન લાવનારા અગ્રણીઓ સન્માનિત
ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને શ્રીમતી રીમા નાણાવટી ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’થી સન્માનિત; પ્રથમ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ શ્રી શ્રીકાંત બોલ્લાને અર્પણ
સુરત : સેવા, સંવેદના સહિતના નેતૃત્વ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા મહાનુભાવોને સન્માનિત કરવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે, ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ’ (SRK) ની સેવાકીય સંસ્થાન ‘શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન’ (SRKKF) દ્વારા સ્થાપિત ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ 2026’, શનિવાર, 13 જૂન 2026 ના રોજ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના માનનીય ઉપ સભાપતિ શ્રી હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિઓમાં માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અને ભારતીય વાયુસેનાના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) એર માર્શલ તેજિંદર સિંહ (PVSM, AVSM, VM) તેમજ અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિષ્ઠિત ચેન્જમેકર્સની ઓળખ કરી તેમને સન્માનિત કરતો ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’ આ વર્ષે જાણીતા ભારતીય નેત્ર ચિકિત્સક અને ‘એલ. વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ’ ના સ્થાપક અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ અને ભારતીય સામાજિક વિકાસ કાર્યકર તથા ‘સેલ્ફ-એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન’ (SEWA) ના ડાયરેક્ટર પદ્મશ્રી શ્રીમતી રીમા નાણાવટીને એનાયત કરવામાં આવ્યો હતો.
આ વર્ષની ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કેટેગરી ઉમેરતા, SRKKF એ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ની શરૂઆત કરી છે, જે બિઝનેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવવાની સાથે-સાથે સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડનારા નવતર લીડર્સને સન્માનિત કરે છે. પર્યાવરણને અનુકૂળ મેન્યુફેક્ચરિંગ કંપની ‘બોલેન્ટ ઇન્ડસ્ટ્રીઝ’ ના સ્થાપક શ્રી શ્રીકાંત બોલ્લાને આ એવોર્ડ સૌપ્રથમવાર આપવામાં આવ્યો. તેમણે અંગત પ્રતિકૂળતાઓને એક શક્તિશાળી મિશનમાં પરિવર્તિત કરી અને એક એવા બિઝનેસ મોડલની સ્થાપના કરી જે દિવ્યાંગ-સમાવેશી રોજગાર અને પર્યાવરણીય રીતે ટકાઉ પદ્ધતિઓનું સમર્થન કરે છે.
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ પ્રા. લિ. (SRK) અને SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) ના સ્થાપક અને ચેરમેન એમિરિટસ શ્રી ગોવિંદ ધોળકિયા દ્વારા વર્ષ 2006 માં સ્થાપિત આ એવોર્ડ, તેમના માતા સંતોકબાના જીવનના કરુણા અને નિઃસ્વાર્થ મૂલ્યોના વારસાને આગળ ધપાવતા, નિઃસ્વાર્થ સેવા અને પરિવર્તનશીલ નેતૃત્વને સન્માનિત કરવાના બે દાયકા (20 વર્ષ) પૂર્ણ કરે છે.
એવોર્ડના વિજેતાઓની પસંદગી વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત આગેવાનોની સ્વતંત્ર ટિમ દ્વારા પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા મારફતે કરવામાં આવે છે. વર્ષ 2026 માટેની જ્યુરીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુના ડિરેક્ટર શ્રી ગોવિંદન રંગરાજન; ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન શ્રી એ.એસ. કિરણ કુમાર; ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર (નિવૃત્ત); સિરિલ અમરચંદ મંગલદાસના પાર્ટનર શ્રી ઋષભ શ્રોફ; તેમજ SRKના ઉદ્યોગ સાહસિક અને બ્રાન્ડ કસ્ટોડિયન શ્રી શ્રેયાંસ ધોળકિયાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે બોલતા શ્રી ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “મારી માતા લાગણીનો અવતાર હતા, તેમણે તેમનું સમગ્ર જીવન ગુજરાતના એક નાના ગામ દુધાળામાં વિતાવ્યું હતું, પરંતુ તેમના તમામ બાળકો માટેનું તેમનું સ્વપ્ન માત્ર જીવનમાં સફળ થવાનું જ નહોતું, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણા દ્વારા આપણા જીવનને સાર્થક બનાવવાનું હતું. તેમણે અમારામાં સિચેલા સંસ્કારો થકી તેમનો વારસો આજે પણ જીવંત રહે. એમના આ મૂલ્યો સંતોકબા માનવરત્ન એવોર્ડનો પાયો બન્યા – જેનો હેતુ માનવતાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો છે. જ્યારે આપણે આ એવોર્ડના 20 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ઉત્કૃષ્ઠ ચેન્જમેકર્સ જેમના કાર્ય થકી દેશભરમાં અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ થયો છે અને સમાજ મજબૂત બન્યો છે તે સૌને સન્માનિત કરતા જોઈને હું ધન્યતા અનુભવું છું.”
એવોર્ડ વિજેતાઓ વિશે વાત કરતા શ્રી ધોળકિયાએ જણાવ્યું હતું કે, “આ વર્ષના એવોર્ડ મેળવનારાઓએ દર્શાવ્યું છે કે, કોઈ ચોક્કસ હેતુ સાથે લેવાયેલા પગલાં કેવી રીતે
લાખો લોકોના જીવનને સ્પર્શી શકે છે. તેમના દૂરંદેશી, સમર્પણ અને સેવાએ એક કાયમી પ્રભાવ ઊભો કર્યો છે અને તે આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા એ વ્યક્તિગત સિદ્ધિઓમાં નથી, પરંતુ આપણે આપણી આસપાસના લોકોનો કેવી રીતે ઉત્કર્ષ કરીએ છીએ, તેમાં છે.”
આ સન્માન વિશે વાત કરતા ડૉ. ગુલ્લાપલ્લી નાગેશ્વર રાવે જણાવ્યું હતું કે, “સંતોકબા માનવરત્ન એવોર્ડ એવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જે ખૂબ જ અર્થપૂર્ણ છે – સહાનુભૂતિ, સેવા અને જીવનને બહેતર બનાવવાની પ્રતિબદ્ધતા. આ સન્માન મેળવવું એ ખરેખર ગૌરવની વાત છે અને હું આ એવોર્ડ એવા અસંખ્ય લોકો અને સંસ્થાઓ વતી સ્વીકારું છું જેમણે ગુણવત્તાયુક્ત આંખની સંભાળ ને લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આપણે સૌએ સાથે મળીને દ્રષ્ટિ, ગૌરવ અને તકોને પુનઃસ્થાપિત કરવાની પરિવર્તનકારી શક્તિનો અનુભવ કર્યો છે. SRKની કાર્યપદ્ધતિને નજીકથી નિહાળ્યા બાદ નિઃસંદેહ કહી શકાય કે આ એક વિશ્વસ્તરીય સંસ્થા છે. સુરતની મારી આ પ્રથમ મુલાકાત અત્યંત યાદગાર અને પ્રેરણાદાયી રહી છે. મને વિશ્વાસ છે કે એલવી પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટ (LVPEI)ની અમારી ટીમ ગોવિંદકાકાના અનુભવ, દ્રષ્ટિકોણ અને નેતૃત્વમાંથી ઘણું શીખશે.”
સંતોકબા માનવરત્ન એવોર્ડ સ્વીકારતા શ્રીમતી રીમા નાણાવટીએ જણાવ્યું હતું કે, “આ સન્માન ખરેખર એ લાખો મહિલાઓનું છે જેમની મક્કમતા, દ્રઢ સંકલ્પ અને ઉદ્યોગસાહસિકતાની ભાવના આપણને દરરોજ પ્રેરણા આપે છે. ‘સેવા’ (SEWA) સાથેની મારી સફરે એક સરળ વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે: જ્યારે મહિલાઓને તકો આપીને સશક્ત કરવામાં આવે છે, ત્યારે તેઓ તેમના પરિવારો, સમર્પિત સમુદાયો અને સમગ્ર સમાજ માટે પરિવર્તનનું એક શક્તિશાળી માધ્યમ બને છે. SEWA અને SRK પાસે અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કાર્ય કરવાની વિશાળ તકો છે. વર્તમાન સમાજની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકાસની તાલીમ પૂરી પાડીને, બંને સંસ્થાઓ પછાત સમુદાયોના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.”
પ્રથમ ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ ના વિજેતા શ્રી શ્રીકાંત બોલા એ જણાવ્યું હતું કે, “મારી સફરે મને શીખવ્યું છે કે મર્યાદાઓ ઘણીવાર વાસ્તવિકતા કરતાં લોકોની માનસિકતામાં વધુ હોય છે. પ્રથમ ‘સંતોકબા સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ મેળવવો એ મારા માટે ખૂબ જ ખાસ છે અને તે મારા એ વિશ્વાસને વધુ દ્રઢ કરે છે કે યોગ્ય તકો, સાથ-સહકાર અને દ્રઢ સંકલ્પ સાથે, દરેક વ્યક્તિ સમાજમાં સાર્થક યોગદાન આપી શકે છે અને પોતાનાથી પર થઈને એક મોટું પરિવર્તન લાવી શકે છે. આજે મેં આપના હીરાઓમાં અને SRKમાં રહેલી દ્વિગુણી શ્રેષ્ઠતાનો અનુભવ કર્યો. ગોવિંદકાકાની જેમ જ, મને પણ આપણું માર્ગદર્શન કરતી અદૃશ્ય શક્તિમાં અતૂટ શ્રદ્ધા છે, અને મને લાગે છે કે મને આપના શહેર સુધી લાવનાર પણ એ જ નિયતિ છે. અમારી બંને સંસ્થાઓ વચ્ચે અર્થપૂર્ણ, દીર્ઘકાલીન અને અસરકારક ભાગીદારી સ્થાપિત કરવા માટે હું અત્યંત ઉત્સાહિત છું.”
છેલ્લા ૨૦ વર્ષોમાં, સંતોકબા માનવરત્ન એવોર્ડે ભારતના ૧૯ પ્રતિષ્ઠિત માનવતાવાદી અને સામાજિક અગ્રણીઓને સન્માનિત કર્યા છે, જેમાં શ્રી રતન ટાટા, હીસ હોલીનેસ થ ૧૪મા દલાઈ લામા, ડૉ. સુધા મૂર્તિ, ડૉ. સાયરસ પૂનાવાલા, શ્રી શિવ નાદર, ડૉ. અભય બંગ અને ડૉ. રાણી બંગ, ડૉ. વર્ગીસ કુરિયન, શ્રી કૈલાશ સત્યાર્થી અને શ્રી એ. એસ. કિરણ કુમાર જેવી અન્ય અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૬માં, SRKKF એ ‘સંતોકબા સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ’ ની પણ શરૂઆત કરી છે, જેના પ્રથમ વિજેતા શ્રી શ્રીકાંત બોલ્લા બન્યા છે.
સંતોકબા માનવરત્ન એવોર્ડની આ ૨૦ વર્ષની અભૂતપૂર્વ સફર, ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહાનુભૂતિ, સેવા અને હેતુપૂર્ણ નેતૃત્વના મહત્વને પુનઃ રેખાંકિત કરે છે. કરુણા, અને માનવ સેવા દ્વારા રાષ્ટ્રનિર્માણની આ યાત્રા અવિરત ચાલુ રહેશે.



