વિશ્વ યોગ દિવસે સુરતના તરણવીર પ્રકાશકુમાર વેકરીયાના અનોખા એક્વા યોગ

વિશ્વ યોગ દિવસે સુરતના તરણવીર પ્રકાશકુમાર વેકરીયાના અનોખા એક્વા યોગ
સાહસ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો અનોખો સમન્વય: ઊંડા પાણીમાં ૧૨ યોગાસનો કરી આપ્યો યોગ સંદેશ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરત સહિત સમગ્ર દેશ યોગમય બન્યો હતો, ત્યારે સુરતના જાણીતા તરણવીર, લાઈફગાર્ડ અને ડિઝાસ્ટર ટ્રેનર પ્રકાશકુમાર વેકરીયાએ સુરતના કોજવે અને નાના વરાછા સ્થિત તરણકુંડ ખાતે અનોખા એક્વા યોગ (જળ-યોગ)નું નિદર્શન યોજી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્થાપક પ્રકાશકુમાર વેકરીયાએ પાણીની અંદર શવાસન, ચક્રાસન, પદ્માસન, વિહંગાસન, પતંગાસન, પદ-શીર્ષાસન, શીર્ષાસન, તિરંગાસન અને પર્વતાસન સહિત કુલ ૧૨ યોગાસનોનું સફળ પ્રદર્શન કર્યું હતું. ૩૦ થી ૫૦ ફૂટ સુધીના ઊંડા પાણીમાં યોગ કરવાની તેમની આ અદ્દભૂત ક્ષમતા સાથે યોગથી સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો હતો.શ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, યોગ, શંખનાદ અને સમાજસેવા – આ ત્રણેય ભારતીય સંસ્કૃતિના એવા સ્તંભો છે જે વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સશક્ત બનાવે છે. એક્વા યોગ થકી જીવનરક્ષા, આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા બે દાયકાથી સામાજિક ક્ષેત્રે સક્રિય પ્રકાશકુમાર વેકરીયાએ તાપી નદીમાંથી અનેક લોકોના જીવ બચાવ્યા છે, જેના સન્માનમાં તેમને વર્ષ ૨૦૨૦માં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી દ્વારા ‘જીવનરક્ષા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. સુરતના ‘સ્વચ્છ ચેમ્પિયન’ (૨૦૨૧-૨૨) તરીકે સન્માનિત તેઓ હાલ સિવિલ ડિફેન્સમાં ડિવિઝનલ વોર્ડન તરીકે સેવા આપી રહ્યા છે. આ વેળાએ મનપાના અધિકારીઓ, સ્વિમર ટીમ અને મોટી સંખ્યામા યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.



