શિનોર જેટકો સબ સ્ટેશનના આસિસ્ટન્ટ ઓપરેટર અને કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજેન્દ્રકુમાર ખત્રીનો વિદાય સમારંભ યોજાયો

શિનોર જેટકો સબ સ્ટેશનના આસિસ્ટન્ટ ઓપરેટર અને કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ રાજેન્દ્રકુમાર ખત્રીનો વિદાય સમારંભ યોજાયો
શિનોર:
શિનોર ખાતે આવેલ જેટકો સબ સ્ટેશન, બોડેલી ડિવિઝનમાં આસિસ્ટન્ટ ઓપરેટર (એ.ઓ.) તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર રાજેન્દ્રકુમાર ખત્રીની વયનિવૃત્તિ નિમિત્તે એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે શિનોર સબ સ્ટેશન ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પણ વિશેષ આયોજન કરાયું હતું.
આ વિદાય સમારંભમાં જેટકો સબ સ્ટેશન (શિનોર) તથા બોડેલી ડિવિઝનના ઉચ્ચ ઇજનેરો, અધિકારીઓ, સાથી કર્મચારીઓ તેમજ એપીએમસી ચેરમેન સચિન પટેલ, ઉપ સરપંચ નીતિન ખત્રી સહિતના આમંત્રિત મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી રાજુભાઈ ખત્રીને તેમના આગામી નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજેન્દ્રકુમાર ખત્રીએ પોતાની ફરજ દરમિયાન માત્ર એક સરકારી કર્મચારી તરીકે જ નહીં, પરંતુ છેલ્લા ૧૬ વર્ષથી “ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ” ના સેક્રેટરી જનરલ તરીકે પણ ટેકનિકલ સ્ટાફના વિવિધ જટિલ પ્રશ્નોના અસરકારક ઉકેલ લાવી સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ અને ખ્યાતિ પ્રાપ્ત કરી છે. કર્મચારીઓના હિતોના રક્ષણ, સંગઠનને મજબૂત બનાવવામાં તથા તેમની સમસ્યાઓના હકારાત્મક નિરાકરણ માટે તેમના દ્વારા આપવામાં આવેલા અભૂતપૂર્વ યોગદાનને સૌએ કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને સાથી કર્મચારીઓ દ્વારા રાજુભાઈ ખત્રીને કુમકુમ તિલક કરી, નાળિયેર-સાકર તેમજ શાલ ઓઢાડી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું અને યાદગાર સ્મૃતિ ભેટો અર્પણ કરાઈ હતી.
કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત એપીએમસી ચેરમેન સચિન પટેલે જણાવ્યું હતું કે, “રાજુભાઈએ પોતાના કુટુંબ કરતાં પણ કર્મચારીઓના હિતો માટે સતત પ્રયત્નશીલ રહીને જે નામના મેળવી છે, તેનાથી શિનોર ગામનું નામ પણ રોશન થયું છે.” જ્યારે નાયબ ઈજનેર અને સાથી સ્ટાફે જણાવ્યું કે, “રાજેન્દ્રભાઈ ખત્રીની નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, નેતૃત્વ ક્ષમતા અને સહકારની ભાવના આવનારી પેઢીના કર્મચારીઓ માટે હંમેશા પ્રેરણાદાયી સંભારણું બની રહેશે.” સૌ સાથી કર્મચારીઓનો પોતાના પ્રત્યેનો અગાધ પ્રેમ અને લાગણીઓ જોઈને રાજુભાઈ ખત્રી પણ અત્યંત ભાવુક બન્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે નિવૃત્તિ બાદ પણ સંગઠનને કે કર્મચારીઓને જરૂર પડશે ત્યારે તેઓ હંમેશા સાથે ઊભા રહીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. આ સાથે જ તેમણે સૌનો આ સુંદર બહુમાન કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ આમંત્રિતો અને સ્ટાફ મિત્રોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને રાજેન્દ્રભાઈ ખત્રીના સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુ નિવૃત્ત જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.



