અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ ૪૯% હિસ્સો ખરીદશે

અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ ૪૯% હિસ્સો ખરીદશે
૨.૮૫ અબજ ડોલરનું સૌથી મોટું વિદેશી રોકાણ
અમદાવાદ : ભારતના પોર્ટ આંતરમાળખા (Port Infrastructure) ક્ષેત્રે એક ઐતિહાસિક સોદો થયો છે. દેશની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (APSEZ) અને વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ તથા લોજિસ્ટિક્સ કંપની મેડિટેરેનિઅન શિપીંગ કંપની (MSC) સમૂહે એક નિશ્ચિત કરાર કર્યો છે. આ કરાર હેઠળ MSC, તેની ટર્મિનલ ઓપરેટિંગ પાંખ TiL (Terminal Investment Limited) મારફત અદાણી વિઝિંજામ પોર્ટ પ્રા. લિ. (AVPPL) માં ૪૯% હિસ્સો ખરીદશે અને ૨.૮૫ અબજ ડોલર (આશરે ₹૨૩,૭૦૦+ કરોડ) નું માતબર રોકાણ કરશે.
ભારતીય પોર્ટ સેક્ટરમાં આ અત્યાર સુધીનું એકમાત્ર સૌથી મોટું વિદેશી ખાનગી રોકાણ (FDI) છે. આ વ્યૂહાત્મક ભાગીદારીથી વિઝિંજામ બંદર હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક શક્તિશાળી ગ્લોબલ ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકે ઉભરી આવશે.
૧૮ મહિનામાં ૨ મિલિયન TEUs નો રાષ્ટ્રીય રેકોર્ડ
આ અંગે માહિતી આપતા અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે:
“અભૂતપૂર્વ ગતિએ વિકાસ કરીને અગ્રણી ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે ઉભરી આવેલા વિઝિંજામ બંદરે તેની માત્ર ૧૮ મહિનાની કામગીરીમાં ૨ મિલિયન (૨૦ લાખ) TEUs કાર્ગોનું વોલ્યુમ સંચાલન પાર કર્યું છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બંદર બન્યું છે. અમે બંદરના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે MSC સાથેની આ લાંબા સમયની ભાગીદારી વૈશ્વિક સ્તરે ભારતની પહોંચ મજબૂત કરશે.”
આ સોદાથી ભારતને શું ફાયદો થશે?
કાર્ગો વોલ્યુમમાં વધારો: MSC ગ્રુપ સાથે જોડાણથી બંદરમાં કાર્ગોના વોલ્યુમનું પરિવહન ખૂબ ઝડપી બનશે.
આંતરરાષ્ટ્રીય બિઝનેસ આકર્ષાશે: અત્યાર સુધી જે બાંગ્લાદેશનો કાર્ગો દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોના પોર્ટ પર નિર્ભર હતો, તેના મોટા હિસ્સાને હવે વિઝિંજામ આકર્ષી શકશે.
ગ્લોબલ રીચ: પૂર્વ આફ્રિકાના વેપાર માર્ગો પર કંપનીની પકડ મજબૂત બનશે અને રીલે કાર્ગો વોલ્યુમ સુધરશે.
વિઝિંજામ પોર્ટ: ભારતનું પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા પોર્ટ
ડિસેમ્બર ૨૦૨૪માં કાર્યરત થયેલું વિઝિંજામ બંદર ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત (Automated) અને ડીપ-ડ્રાફ્ટ મેગા ટ્રાન્સશિપમેન્ટ બંદર છે.
ભવ્ય વિસ્તરણ પ્લાન: હાલમાં આ બંદરની ક્ષમતા ૧.૬ મિલિયન TEU છે, જેને ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં સાડા ત્રણ ગણી વધારીને ૫.૭ મિલિયન TEUs કરવામાં આવશે.
વ્યૂહાત્મક સ્થાન: યુરોપ, પર્સિયન ગલ્ફ અને દૂર પૂર્વને જોડતા શિપિંગ રૂટથી આ પોર્ટ માત્ર ૧૦ નોટિકલ માઇલ દૂર છે.
આધુનિક ટેકનોલોજી: આ પોર્ટમાં ૧૮-૨૦ મીટરનો કુદરતી ડ્રાફ્ટ, ૨.૯ કિમી લાંબુ બ્રેકવોટર અને AI-સક્ષમ સ્વદેશી વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (VTMS) કાર્યરત છે.
વિઝિંજામ બંદરના અત્યાર સુધીના રેકોર્ડ્સ:
પ્રથમ વર્ષમાં: ૧.૩ મિલિયન TEUs અને ૬૧૫ જહાજોનું સંચાલન કર્યું.
૧૮ મહિનામાં: ૨૦ લાખ TEUs અને ૯૫૦ થી વધુ જહાજોનું સફળ પરિવહન.
જૂન ૨૦૨૬: પોર્ટે પોતાના ૧૦૦૦મા જહાજને આવકાર્યું.
અલ્ટ્રા લાર્જ વેસલ્સ: ભારતમાં સૌથી વધુ, ૭૦ થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) નું સંચાલન એકમાત્ર વિઝિંજામ પોર્ટે કર્યું છે, જેમાં ૩૦૦ મીટરથી વધુ લાંબા ૨૮૩ જહાજો સામેલ છે.



