શિક્ષા

સુમન હાઇસ્કૂલ–4 ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સુમન હાઇસ્કૂલ–4 ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન સેમિનાર યોજાયો

“પ્રથમ નંબર કરતાં સતત પોતાની જ પ્રગતિનો રેકોર્ડ તોડવાની પ્રેરણા આજના સમયની તાતી જરૂરિયાત છે.” – રાજેશ ધામેલિયા

સુમન હાઇસ્કૂલ–4, અડાજણ પાટિયા ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોર્ડ પરીક્ષાની અસરકારક તૈયારી, ઉજ્જ્વળ કારકિર્દી અને જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ અવૈયાએ મુખ્ય વક્તા અને પ્રેરક માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા અને પરિવારના સંયુક્ત પ્રયાસોથી જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બને. માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મગૌરવ, સ્વાનુશાસન અને જીવનમૂલ્યોનું સિંચન થાય તેવું શિક્ષણ જ સાચા અર્થમાં સફળ શિક્ષણ છે. જીવનમાં ઊંચું ધ્યેય નક્કી કરીને આયોજનબદ્ધ રીતે ખંતપૂર્વક મહેનત કરવી જોઈએ, પરંતુ પરિણામની ચિંતાને બદલે સતત પ્રયત્ન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સફળતા અને નિષ્ફળતા બંનેનો સમભાવથી સ્વીકાર કરવાની માનસિકતા જ જીવનમાં આગળ વધવાની સાચી શક્તિ છે.” વાલીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, “બાળક પ્રથમ ક્રમાંક જ મેળવે એવો આગ્રહ રાખવાને બદલે તે દરરોજ પોતાની જ ગઈકાલ કરતાં વધુ સારું પ્રદર્શન કરે તેવી પ્રેરણા આપવી જોઈએ. અન્ય સાથેની સરખામણી બાળકના આત્મવિશ્વાસને નબળો પાડે છે, જ્યારે પોતાની જ પ્રગતિ સાથેની સરખામણી તેને સતત વિકાસ તરફ દોરી જાય છે. માતા-પિતાએ દરરોજ બાળકોને ગુણવત્તાસભર સમય આપવો, તેમની વાત ધ્યાનથી સાંભળવી અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બાળકો આપણા શબ્દો કરતાં આપણા આચરણ અને વર્તનમાંથી વધુ શીખે છે, તેથી વાલીઓએ પોતે જ શ્રેષ્ઠ આદર્શ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.” સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. અંતે ઉપસ્થિત વાલીઓએ પણ આવા ઉપયોગી અને પ્રેરણાદાયી સેમિનારના આયોજન બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન શાળા પરિવારના સહયોગથી સંપન્ન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button