નવ વર્ષના લગ્નજીવનનો અંત : પતિએ પત્ની અને બાળકીને કાયમી ભરણપોષણ પેટે 29 લાખની માતબર રકમ ચૂકવી

કયારેક સાથે રહેવું શક્ય ન પણ હોય!
નવ વર્ષના લગ્નજીવનનો અંત : પતિએ પત્ની અને બાળકીને કાયમી ભરણપોષણ પેટે 29 લાખની માતબર રકમ ચૂકવી
લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતાં હોય તો છૂટાછેડા આપવા જાઇએ : ફેમિલી કોર્ટે મંજૂરીની મહોર મારી
સુરત : લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતાં હોય તો છૂટાછેડા આપવા જાઇએ એવી રજૂઆતને ધ્યાનમાં રાખી અત્રેની ફેમિલી કોર્ટે શહેરના દંપતિના છૂટાછેડા મંજૂર કર્યા હતાં. આ છૂટાછેડા સાથે કાયમી ખોરાકી-પોષાકી પેટે રૂ. 29 લાખ જેટલી માતબર રકમ પણ પતિએ ચૂકવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં રહેતાં રાકેશના લગ્ન વરાછામાં રહેતી ગીતા (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે જાન્યુઆરી 2017 માં થયા હતાં. જેમાં તેમને એક પુત્રી (હાલ ઉ.વ.7) નો પણ જન્મ થયો હતો. શરૂઆતમાં સારી રીતે ઘર સંસાર ચાલ્યા બાદ દંપતિ વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો હતો, અને ગીતા વર્ષ 2019 થી પોતાના પિયર રહેવા જતી રહી હતી.
દરમિયાન પતિ રાકેશે સુરતની ફેમિલી કોર્ટમાં ત્યાગ અને ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાનો દાવો કર્યો હતો. જયારે ગીતાએ પોતાના તથા બાળકના ભરણપોષણ માટે અત્રેની કોર્ટમાં એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે કેસો કર્યા હતાં. જેમાં ચાલુ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પતિ-પત્ની 7 વર્ષથી અલગ રહેતાં હોય તેમના વચ્ચે મનમેળ થઇ શકે તેમ નથી. બંને વચ્ચે અનેક વખત થયેલા સમાધાનના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે. આ સંજાગોમાં છૂટાછેડા આપવા આખરી વિકલ્પ રહેશે. સાથે પતિએ પત્ની અને બાળક માટે આજીવન ભરણપોષણ પેટે નાણાંકિય મદદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. જેમાં પત્ની તરફથી સહમતી મળતાં બંનેએ પરસ્પર સંમતિથી એક બીજા સામે કરેલા તમામ કેસો પરત ખેંચી લીધા હતા અને અત્રેની કોર્ટમાં છૂટાછેડાનો દાવો કર્યો હતો. છૂટાછેડા દાખલ કરતી વખતે પતિએ પત્નિ-પુત્રીના કાયમી ભરણપોષણ પેટે રૂ.29,00,000 જેટલી માતબર રકમ પણ ચૂકવી હતી. જેની કોર્ટે નોંધ લીધી હતી અને બંને પક્ષકારોને સાંભળ્યા બાદ છૂટાછેડાના દાવા ઉપર કોર્ટે મંજૂરીની મહોર મારી હતી, અને આખરે દંપતિ કાયમી અને કાયદેસર રીતે અલગ થયું હતું.



