હરિયાળી અમાસે વિશાળ રક્તદાન શિબિર

હરિયાળી અમાસે વિશાળ રક્તદાન શિબિર
500 યુનિટ રક્ત એકત્રિત, યુવાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું
સુરત, તા. 13 : હરિયાળી અમાસના પાવન અવસર નિમિત્તે શ્રી જગદીશ રક્તદાન મિત્ર મંડળ, જગદીશના ઉપક્રમે તથા શ્રી જગદીશ ભગવાન મંદિર સેવા સમિતિના આયોજન હેઠળ વિશાળ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 ઓગસ્ટ, બુધવારે જગદીશ ભગવાન મંદિર પરિસર, જગદીશ, પોસ્ટ અમરી, તાલુકો કોટડી, જિલ્લા ભીલવાડા ખાતે યોજાયેલી આ શિબિરમાં કુલ 500 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.
શિબિરમાં વિસ્તારના યુવાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન અંગે જનજાગૃતિ વધારવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
34મી વખત રક્તદાન કરી સમાજસેવાનો સંદેશ
શિબિરમાં હરીશભાઈ ગુર્જરની પ્રેરણાથી તેમના પુત્ર દીપેશ હરીશભાઈ ગુર્જરે 34મી વખત રક્તદાન કરીને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે સુરત શહેરના હરીશભાઈ ગુર્જર અત્યાર સુધીમાં 60મી વખત રક્તદાન કરી ચૂક્યા છે. નિયમિત રક્તદાતાઓએ પણ યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા.
શિબિરના સફળ આયોજનમાં રાધેશ્યામદાસ વૈષ્ણવ, કૈલાશ વૈષ્ણવ, મહારામ ગુર્જર, નારાયણ ગુર્જર, સુંદરદાસ વૈષ્ણવ, દીપક વૈષ્ણવ, લાદુદાસ વૈષ્ણવ, સાંવરજી વ્યાસ, જગદીશભાઈ સુથાર, લાદુલાલ ગુર્જર સહિત શ્રી જગદીશ ભગવાન મંદિર સેવા સમિતિના સભ્યો તથા તમામ સહયોગીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આયોજક મંડળ દ્વારા મુખ્ય પ્રાયોજકો, સહયોગીઓ, રક્તદાતાઓ તેમજ કાર્યક્રમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સફળ બનાવવા સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તનું એક યુનિટ કોઈ જરૂરિયાતમંદના જીવનમાં નવી આશા જગાવી શકે છે. રક્તદાન માત્ર દાન નથી, પરંતુ માનવતા પ્રત્યેની આપણી જવાબદારી છે.
500 યુનિટ રક્તના સફળ સંગ્રહ સાથે હરિયાળી અમાસના પાવન પર્વે યોજાયેલ આ જનસેવા અભિયાન સેવા, સહકાર અને માનવતાનો સંદેશ આપીને સંપન્ન થયું હતું
0000



