‘જય જય ગરવી ગુજરાત’ના સામૂહિક ગાન સાથે ઉજવણી

‘જય જય ગરવી ગુજરાત’ના સામૂહિક ગાન સાથે ઉજવણી
વિદ્યાર્થીઓએ નર્મદના જીવન અને સાહિત્યિક પ્રદાનને રજૂ કરી શ્રદ્ધાંજલિ અર્પી
ગુજરાતી ભાષાને સમૃદ્ધ અને સજ્જ બનાવવામાં કવિ નર્મદનું યોગદાન અદ્વિતીય છે, તેના કાર્યને આગળ ધપાવવું એ જ સાચી અંજલિ છે. – રાજેશ ધામેલિયા
નાના વરાછા સ્થિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક–૨૭૨ ખાતે શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યુગદ્રષ્ટા અને વીર કવિ નર્મદની જન્મજયંતીની આનંદ, ઉલ્લાસ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનો પ્રારંભ કવિ નર્મદની અમર રચના ‘જય જય ગરવી ગુજરાત’ના સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ગજેરા મંત્ર અને ઓમ ભીમાણીએ કવિ નર્મદની વિવિધ રચનાઓનું સુંદર ગાન રજૂ કર્યું હતું. ઠુંમર પૂર્વ, સખિયા ગ્રંથ અને ટાંક દેવાંશુ સહિતના વિદ્યાર્થીઓએ કવિ નર્મદના જીવનપ્રસંગો રજૂ કરીને તેમનાં સાહિત્યિક, સામાજિક અને ભાષાકીય પ્રદાનથી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. દેસાઈ સાહિલે કવિ નર્મદનો પોશાક ધારણ કરીને તેમનું વક્તવ્ય રજૂ કરી કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતી ભાષાના શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ કવિ નર્મદની માતૃભાષા પ્રત્યેની અખૂટ પ્રીતિ તથા સામાજિક સુધારણાના ક્ષેત્રે તેમના અવિસ્મરણીય પ્રદાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષાને સમૃદ્ધ અને સજ્જ બનાવવામાં કવિ નર્મદનું યોગદાન અદ્વિતીય છે, તેના કાર્યને આગળ ધપાવવું એ જ સાચી અંજલિ છે. ગુજરાતી ભાષાના પ્રથમ વ્યાપક શબ્દકોશ ‘નર્મકોશ’ અને ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા ‘મારી હકીકત’ જેવી અમૂલ્ય કૃતિઓ નર્મદની ગુજરાતી ભાષાને મળેલી અવિસ્મરણીય ભેટ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતની ઓળખ સાથે વીર કવિ નર્મદનું નામ જોડાયેલું છે. સુરતને ‘નર્મદનગરી’ તરીકે ઓળખવામાં આવે છે. સુરતની અગ્રણી સેન્ટ્રલ લાઇબ્રેરી ‘નર્મદ લાઇબ્રેરી’ અને દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ તરીકે ઓળખાય છે. આ બંને નામો સુરતની ધરતી સાથે જોડાયેલા કવિ નર્મદ પ્રત્યેના અપ્રતિમ સન્માન અને આદરના પ્રતીક છે.
તેમણે વિદ્યાર્થીઓને કવિ નર્મદના જીવન અને સાહિત્યમાંથી પ્રેરણા લઈને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવની લાગણી કેળવવા તથા માતૃભાષામાં સજ્જતા કેળવી તેનો શુદ્ધ, સમૃદ્ધ અને અસરકારક ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ વીર કવિ નર્મદના સાહિત્યિક, ભાષાકીય અને સામાજિક પ્રદાનને ગૌરવપૂર્વક યાદ કર્યું હતું. કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



