ગુજરાત

જનસેવા અને રાષ્ટ્રભક્તિ જ સાચો ધર્મ : અહલ્યાબાઈની જીવનગાથાએ આપ્યો પ્રેરક સંદેશ

જનસેવા અને રાષ્ટ્રભક્તિ જ સાચો ધર્મ : અહલ્યાબાઈની જીવનગાથાએ આપ્યો પ્રેરક સંદેશ
35 કલાકારોએ મંચ પર જીવંત કર્યો
સુરત : વનબંધુ પરિષદના નેજા હેઠળ વિશ્વમાંગલ્ય સભા દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રસમર્થા પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈ હોળકરની જીવનગાથા પર આધારિત નાટકનું પ્રભાવશાળી મંચન રવિવારે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું. જેમાં આશરે 35 કલાકારોએ પોતાના અભિનય દ્વારા દેવી અહલ્યાબાઈના જીવન, સંઘર્ષ, શાસન વ્યવસ્થા અને લોકકલ્યાણના કાર્યોને મંચ પર જીવંત કર્યા.
નાટ્ય પ્રસ્તુતિમાં દેવી અહલ્યાબાઈ હોળકરના શિસ્તબદ્ધ જીવન, ન્યાયપ્રિય શાસન, મહિલા સશક્તિકરણ, ધાર્મિક સ્થળોના પુનર્નિર્માણ અને જનકલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મુખ્યત્વે દર્શાવવામાં આવી. અંગત જીવનમાં અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ અને અસહ્ય દુઃખોનો સામનો કરવા છતાં તેમણે પોતાની ફરજને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. નાટક દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો કે જનસેવા અને રાષ્ટ્રભક્તિ જ સાચો ધર્મ છે. વનબંધુ પરિષદનો ઉદ્દેશ્ય સમાજના સક્ષમ અને પ્રબુદ્ધ વર્ગના સહયોગથી વિકાસથી વંચિત વનવાસી સમાજને શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાઓના માધ્યમથી વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે.
કાર્યક્રમમાં પદ્મશ્રી તેમજ ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા નિલેશ માંડલેવાલા, ભરતભાઈ શાહ, સાંવરમલ બુધિયા, આનંદ સતનાલીવાલા,
સુરતના મેયર માયાબેન માવાણી, પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ વગેરે અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં એક હજારથી વધુ દર્શકો હાજર રહ્યા.
કાર્યક્રમમાં વનવાસી સમાજના સહાયતા અર્થે દર વર્ષે આયોજિત થતી એકલ રન – “છોટે કદમ, બડે ઇરાદે” હાફ મેરેથોનની આગામી આવૃત્તિ એકલ રન 4.0 ની રજિસ્ટ્રેશન લિંકનો પણ શુભારંભ કરવામાં આવ્યો. આ મેરેથોન 14 ફેબ્રુઆરી 2027 ના રોજ યોજાશે, જેમાં આશરે 10 હજાર દોડવીરો ભાગ લે તેવી શક્યતા છે. આ પ્રસંગે વનબંધુ પરિષદના વરિષ્ઠ હોદ્દેદારો પ્રમોદ ચૌધરી, વિનોદ અગ્રવાલ, શ્યામ ગર્ગ, વિદ્યાકર બંસલ, પ્રમુખ શ્રીનારાયણ પેડીવાલ, કાર્યક્રમના સંયોજક ગૌતમ પ્રજાપતિ, નકુલ રાઠી, ગોપેશ અગ્રવાલ, જય સ્વર્ણકાર સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન મંચ સંચાલન નિર્મલ નાગદા અને જ્યોતિશિખા રાઠીએ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button