‘દ વન’ના ‘છઠ્ઠી મૈયા’માં જોવા મળી છઠની આસ્થા અને વન દેવીની શક્તિ

‘દ વન’ના ‘છઠ્ઠી મૈયા’માં જોવા મળી છઠની આસ્થા અને વન દેવીની શક્તિ
‘દ વન’નું નવું ગીત ‘છઠ્ઠી મૈયા’ રિલીઝ થઈ ગયું છે, જેમાં છઠ પૂજાની આસ્થા, પરંપરા અને બિહારની સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળે છે. તમન્ના ગીતમાં છઠ્ઠી મૈયાની ભક્તિ સાથે ફિલ્મની ફોકલોર ફેન્ટસી દુનિયા અને વન દેવીની શક્તિ સાથે જોડાયેલી જોવા મળે છે. ઝી મ્યુઝિકના લેબલ હેઠળ રિલીઝ થયેલા આ ગીતને વિશાલ મિશ્રાએ ગાયું અને કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના બોલ કૌશલ કિશોરે લખ્યા છે અને કોરિયોગ્રાફી ચિન્ની પ્રકાશે કરી છે. વિશાલ મિશ્રાએ ગીતને બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડની છઠની પવિત્ર પરંપરાને સમર્પિત એક નાનકડી ભેટ ગણાવી છે.
આ પહેલાં ‘સમઝો ના’ દ્વારા ફિલ્મની રોમેન્ટિક દુનિયાની ઝલક મળી હતી, જ્યારે ‘છઠ્ઠી મૈયા’ ફિલ્મના આધ્યાત્મિક અને રહસ્યમય પાસાને સામે લાવે છે. બાલાજી મોશન પિક્ચર્સ, ટીવીએફ અને 11.11 પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘દ વન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના મુખ્ય ભૂમિકામાં છે. અરુણાભ કુમારની વાર્તા અને દીપક મિશ્રાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ફેન્ટસી, ફોકલોર, મિસ્ટ્રી, એડવેન્ચર અને રોમાન્સ જોવા મળશે. ‘દ વન’ 25 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.



