દર શનિવારે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી થતા હનુમાન ચાલીસાના પાઠ દ્વારા બાળકોમાં આધ્યાત્મિકતાનું સિંચન કરવાની પહેલ, કામરેજ તાલુકાની રામકબીર માધ્યમિક સ્માર્ટ શાળા
તા.૫ સપ્ટેમ્બર: શિક્ષક દિવસ
ભણતરની સાથે બાળકોની રમત-ગમત અને કળા- કૌશલ્યની પ્રતિભાને નિખારવાની એકસમાન તક આપે છે રામકબીર શાળા
આ વર્ષે રામકબીર માધ્યમિક શાળાના કલા અને વ્યાયામ શિક્ષક અનિલભાઈ સોલંકીની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત
સમાજના દરેક વર્ગ- જાતિના બાળકોને અભ્યાસનો સમાન અધિકાર અને સમાન તકો મળે એ અમારી શાળાનો ઉદ્દેશ
વિદ્યાની સાથે ઉચ્ચ સંસ્કારો આપી ભવિષ્યના આદર્શ નાગરિક તૈયાર કરવાની દિશામાં શાળાની આગેકૂચ: આચાર્ય શૈલેષભાઈ દેસાઈ’
મૂળભૂત સુવિધાઓ ઉપરાંત વિશાળ મેદાન, સજેશન બોક્સ, કિશોરીઓ માટે સેનેટરી નેપકીન મશીન, ગર્લ્સ રેસ્ટ રૂમની સુવિધાઓ શાળામાં ઉપલબ્ધ
૧૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ, ૨૨ વર્ગખંડો અને ૪૫ શિક્ષકો ધરાવતા રામકબીર વિદ્યાલયમાં વર્ષ ૧૯૯૫થી નોન ગ્રાન્ટેડ પદ્ધતિથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ આપવામાં આવે છે
સુરત:સોમવાર: શાળા એટલે ‘જ્ઞાનનું મંદિર’ અને બાળકોનું બીજું ઘર. હવે જો સવાલ એવો થાય કે બાળકોનું બીજું ઘર કેવું હોવું જોઈએ તો એનો જવાબ છે- ‘સુરતના કામરેજ તાલુકામાં આવેલી રામકબીર માધ્યમિક સ્માર્ટ શાળા જેવું..’ જ્યાં બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન પણ ખૂબ ઉમદા રીતે કરવામાં આવે છે. જ્ઞાનનું મંદિર ગણાતા અને આદર્શ શાળામાં હોવી જોઈએ એ પ્રત્યેક ખાસિયતો આ શાળામાં જોવા મળે છે.
વર્ષ ૧૯૯૨થી માધ્યમિક ધોરણ સાથે શરૂ કરાયેલી રામકબીર શાળાનું અડીખમ અને અદ્યતન બિલ્ડિંગ અનેક પ્રાઈવેટ શાળાને શરમાવે તેવું છે. શાળામાં હરિયાળું અને સોહામણું આંગણ તેમજ રમત ગમતનું પ્રશિક્ષણ પૂરું પાડવા વિશાળ મેદાન છે. જે કેટલીય જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતોનું સાક્ષી રહ્યું છે. ૧૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ, ૨૨ વર્ગખંડો અને ૪૫ શિક્ષકો ધરાવતા રામકબીર વિદ્યાલયમાં વર્ષ ૧૯૯૫થી નોન ગ્રાન્ટેડ પદ્ધતિથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પણ આપવામાં આવે છે. જેમાં સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહોના વર્ગો ચાલે છે.
શાળાનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગ-જાતિના બાળકોને ભણવાનો સમાન અધિકાર અને સમાન તકો આપવાનો છે એમ રામકબીર માધ્યમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ દેસાઈ જણાવે છે. તેઓ આ શાળાના સતત વિકાસ માટે કાર્યરત રહ્યા છે. તેમણે જણાવ્યું કે, શાળામાં મહત્તમ ખેડૂત, શ્રમિક અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના સંતાનો ભણે છે. આ બાળકો માટે શાળામાં પીવાના શુદ્ધ પાણી માટે આર. ઓ પ્લાન્ટ, લાયબ્રેરી, સાંસ્કૃતિક હોલ, પ્રાર્થના હોલ, આધુનિક કમ્યુટર લેબ તેમજ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ જેવી મૂળભૂત સુવિધાઓ તો છે જ, સાથે જ રમત ગમત માટે ૧૪ હજાર ચો.મી. માં પથરાયેલું વિશાળ મેદાન, સજેશન બોક્સ, કિશોરીઓ માટેનું સેનેટરી નેપકીન મશીન, ગર્લ્સ રેસ્ટ રૂમ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
આચાર્યશ્રીએ જણાવ્યું કે, સજેશન બોક્સમાં વિદ્યાર્થીઓ સમગ્ર અઠવાડિયા દરમિયાન શાળા, શિક્ષકો કે અન્ય કોઈ પણ બાબતે ખૂલ્લા મને અભિપ્રાય કે સૂચનો આપી શકે છે. જેનો દર શનિવારે યોગ્ય નિકાલ પણ લાવવામાં આવે છે. આ બોક્સમાં વિદ્યાર્થીઓ ઘણી વાર તેમના અંગત કે પારિવારિક પ્રશ્નો થકી પણ અમારી મદદ ઝંખતા હોય છે.
દરેક વર્ગખંડોમાં પ્રોજેક્ટરની ઉપલબ્ધતા સાથે સ્માર્ટ શાળા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પૂરૂં પાડી રહી છે એમ જણાવી આચાર્યશ્રીએ જણાવ્યું કે, અમે વિદ્યાની સાથે ઉચ્ચ સંસ્કારો આપી ભવિષ્યના આદર્શ નાગરિકોનું નિર્માણ કરવાની દિશામાં આગેકૂચ કરી રહ્યા છીએ. અમે દર શનિવારે દરેક વર્ગખંડોમાં એક સાથે બાળકોને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી હનુમાન ચાલીસાના પાઠ કરાવીએ છીએ. જેથી બાળકોમાં નાની ઉંમરથી જ આધ્યાત્મિકતાનું સિંચન કરી શકાય અને સંસ્કારવાન નાગરિકોનું સર્જન થાય.
વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રામકબીર વિદ્યાલયને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયાની જાણકારી આપતા આચાર્યશ્રીએ કહ્યું કે, અહીં બાળકોને ભણતરની સાથે રમત-ગમત અને કલાના ક્ષેત્રે આગળ વધવાની તક પણ આપવામાં આવે છે. જે માટે શાળાના શિક્ષકો તેમને તબલા કે હાર્મોનિયમ પણ શીખવે છે. ટેકનોલોજીની સાથે કદમ મિલાવવા આ શાળાનું ફેસબુક સોશિયલ મીડિયા પેજ છે, જેમાં દરેક ઉજવણી કે સ્પર્ધાઓ કે અન્ય ખાસ દિવસોમાં કરાયેલ પ્રવૃત્તિઓ વિષે માહિતી આપવામાં આવે છે. જેથી બાળકોની સાથે તેમના પરિવારજનો કે સમાજના અન્ય લોકોને પણ તેની જાણ થાય.
દરેક રીતે આદર્શ શાળાનું જીવંત દૃષ્ટાંત પૂરી પાડતી રામકબીર માધ્યમિક શાળા ખરા અર્થમાં વિદ્યાના મંદિરની ઉપમાને સાચી ઠરાવે છે.
રામકબીર માધ્યમિક શાળાના શિક્ષક અનિલભાઈ સોલંકીની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી:
રામકબીર માધ્યમિક શાળામાં વર્ષ ૧૯૯૬થી કલા, વ્યાયામ અને યોગ વિષયમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપી રહેલા શિક્ષકશ્રી અનિલભાઈ સોલંકીની ચાલુ વર્ષે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જે અન્વયે ૫ સપ્ટેમ્બર – શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવશે. ૨૫થી વધુ વર્ષોથી આ શાળા સાથે સંકળાયેલા મૂળ નવસારી જિલ્લાના કછોલી ગામના અનિલભાઈએ વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં કુલ ૪૦૦ સિદ્ધિઓ મેળવી છે.
એક શિક્ષક તરીકે ચિત્રકલાની વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૧૯ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. જયારે રમત-ગમત અને ચિત્રકલા ગ્રુપ દ્વારા વિશેષ માર્ગદર્શન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાળાના બાળકલાકારોને ૩ર ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૬ બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. સાથે પોતાના માર્ગદર્શન હેઠળ શહેરના ઘોડદોડ રોડ પર ૧૦૦ થી વધુ વૃક્ષો પર રંગોરોગાન કાર્ય કરાવી સુરત શહેરને ટોપ ૧૦ સ્વચ્છ શહેરની યાદીમાં લાવવામાં પણ નાનકડું યોગદાન આપ્યું છે. સાથે જ અનિલભાઈને કલા અને શિક્ષણ ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન અને કાર્ય કૌશલ્ય બદલ શાળા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ અનેક એવોર્ડ દ્વારા બિરદાવાયા છે.
તેમની આ ઉપલબ્ધિઓ જોઈ એવું કહેવું યોગ્ય રહેશે કે, અનિલભાઈ જેવા એક શિક્ષક સો માતાની ગરજ સારે છે.