અઠવાલાઈન્સ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને “સાયબર સંજીવની ૨.૦” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશે
શિક્ષકો ૬૦ મિનિટના લેક્ચરમાં ૫ મિનિટ સાયબર ક્રાઈમ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસે ગૃહરાજ્યમંત્રી
સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છેઃ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
નાની ઉંમરના વિદ્યાર્થીઓ સોશિયલ મિડીયા થકી સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે, જે સમાજ માટે ચિંતાજનક અને લાલબત્તી સમાન: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
સુરત:રવિવાર: સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા અઠવાલાઈન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શિક્ષણરાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં “સાયબર સંજીવની ૨.૦” જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સાયબર ઈન્ટેલિજન્સમાં ટેક્નોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દૂરૂપયોગ પણ થઈ રહ્યો છે. સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને વિકાસમાર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યોરિટી પણ ખૂબ જ જરૂરી બની છે, ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે, જે સરાહનીય છે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ટેક્નોલોજીને સમજીને તેનો સાચો ઉપયોગ કરવો એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે. સાયબર ક્રાઈમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઈમથી બચાવવામાં પણ મદદરૂપ બનશે.
શ્રી સંઘવીએ ઉમેર્યું કે, શિક્ષણ અને પોલિસ વિભાગ સાથે મળીને સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને જાગૃત્ત કરશે. આ પ્રયાસોથી વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પાસે જ્ઞાન મેળવી પરિવારને પણ જાગૃત કરશે, જેના કારણે જાગૃતિની સાંકળ ઉભી થશે. આધુનિક સમયમાં માતા-પિતાની ઉંમરના વ્યક્તિઓ, વડીલો આસાનીથી સાયબર ક્રાઈમનો ભોગ બની જતા હોય છે. શિક્ષકો ૬૦ મિનિટના લેક્ચરમાં ૫ મિનિટ સાયબર ક્રાઈમ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસશે તો અવશ્યપણે સાયબર ક્રાઇમ, ઓનલાઈન સાયબર ફ્રોડનું પ્રમાણ ઓછું થશે. સાયબર ક્રાઇમ વિશેનું સાચું જ્ઞાનની આપલે દરેક પરિવારમાં થશે તો જનજાગૃતિનો સુરત પોલીસનો પ્રયાસ સાર્થક થશે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણે સૌએ ઘરની તિજોરીની જેમ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં તમામ પ્રકારની માહિતી લોક રાખવા તેમજ અજાણ્યા વ્યક્તિની સોશિયલ મીડિયા પર આવતી રિક્વેસ્ટ ક્યારે એક્સેપ્ટ ન કરવા અને આ અંગે અન્યને જાગૃત્ત કરવા ગૃહરાજ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું. સૌ સુરતીઓને સુરત પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર બનવા અને ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમની જાગૃતિ દર્શાવતી ક્લિપ્સને સમંયાતરે સોશિયલ મીડિયા પર શેર કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
એક જ કોલ પર ફરિયાદ દાખલ થાય એવી વ્યવસ્થા ઉભી કરવા માટે સુરત પોલીસને ગૃહરાજ્યમંત્રીશ્રીએ રચનાત્મક સૂચન કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, લોકો લુંટ, ધાડ, ચોરી જેવી ઘટનાઓના શિકાર બનતા હોય છે, ત્યારે હવે લોકો નવા જમાનાના સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જેના નિવારણ માટે સુરત શહેરની પોલિસના “સાયબર સંજીવની ૨.૦” જેવા કાર્યક્રમો આશીર્વાદરૂપ બનશે. નાની ઉંમરના વિદ્યાર્થીઓ સોશિયલ મિડીયા થકી સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે અને નાછૂટકે આત્મહત્યા કરવા સુધી લાચાર બની જાય છે, સમાજ માટે આ ચિંતાજનક અને લાલબત્તી સમાન છે, ત્યારે દરેક શાળામાં એક એવો શિક્ષક હોવા જોઇએ જેમને વિદ્યાર્થીઓ ખુલ્લા મને પોતાની વાતો, મૂંઝવણ કહી શકે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પોતાનું બાળક સમજી સાયબર ક્રાઇમ વિશેનું જ્ઞાન આપી ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું સેવાયજ્ઞ સમાન કાર્ય કરવાનું છે. સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઇન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે એમ પણ મંત્રીશ્રી કહ્યું હતું.
આ વેળાએ સાયબર ફ્રોડની જાગૃતિ દર્શાવતી ફિલ્મે હાજર સૌને રસપ્રદ અને ઉઓયોગી જાણકારી આપી હતી. સાથે સાયબર ફ્રોડથી બચવા માટે ભજવાયેલી નાટિકા સૌએ નિહાળી હતી. તેમજ મંત્રીશ્રીઓના હસ્તે શહેરના વિવિધ વિસ્તારના શાળાના સંચાલકો, શિક્ષકો, ટ્રસ્ટીઓને બ્રાન્ડ એમ્બેસેડર સન્માનપત્ર અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.