શ્રી શારદા વિદ્યામંદિર – સિંગણપોર રોડ ખાતે ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રવિધિઓ’ પરિસંવાદ યોજાયો
શ્રી શારદા વિદ્યામંદિર – સિંગણપોર રોડ ખાતે ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રવિધિઓ’ પરિસંવાદ યોજાયો
વિદ્યાર્થીઓ માતૃભાષા પર પ્રભુત્વ મેળવશે તો વિશ્વની કોઈ પણ ભાષા સહેલાઈથી શીખી શકશે તેમજ અન્ય વિષયો શીખવામાં પણ ખૂબ સરળતા રહેશે. – રાજેશ ધામેલિયા
માતૃભાષા ગૌરવ સંવર્ધન અભિયાન અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે શ્રી શારદા વિદ્યામંદિર – સિંગણપોર રોડ, સુરત ખાતે આજે ‘સાચી જોડણી સહેલાઈથી શીખવવાની પ્રવિધિઓ’ પરિસંવાદ યોજાયો. આ સેમિનારમાં શ્રી શારદા વિદ્યામંદિર, માધવબાગ વિદ્યાભવન અને દીપ દર્શન વિદ્યાસંકુલના આચાર્યશ્રીઓ અને ગુજરાતી વિષયના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ માતૃભાષાનું મહત્ત્વ સમજીને, તેને સાચી રીતે પ્રયોજતાં શીખે તે માટે શ્રી સવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને માતૃભાષામાં રસ પડે તે માટે સૌથી પહેલાં તેનું મહત્ત્વ સમજાવવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માતૃભાષા પર પ્રભુત્વ મેળવશે તો વિશ્વની કોઈ પણ ભાષા સહેલાઈથી શીખી શકશે તેમજ અન્ય વિષયો શીખવામાં પણ ખૂબ સરળતા રહેશે. ભાષા શિક્ષણને રસપ્રદ બનાવવા વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ કરવાની જરૂર છે. અહીં કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે : જોડણીના નિયમો ગોખાવવાના નથી. એક નિયમ કે શબ્દ વારંવાર લખવા આપવાનો નથી. વિદ્યાર્થી આજુબાજુનું લખાણ વાંચે ત્યારે તેને નિયમ યાદ આવે તેવી સમજ આપવાની છે. વર્ગખંડમાં રમૂજી વાર્તાઓ, પ્રસંગો કહીને શિક્ષણને આનંદમય બનાવવાનું છે.”
આ સેમિનારમાં જોડણીના નિયમો કેવી રીતે સમજાવવા તેની ઉદાહરણો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ સાર્થ જોડણીકોશ, ભગવદ્ગોમંડલ વગેરેનો ઉપયોગ કરીને શબ્દભંડોળ વધારવા માટે જે-જે પ્રવૃત્તિઓ કરી હતી, તે દર્શાવવામાં આવી. ‘સાચી જોડણી લાગે વહાલી’ પુસ્તિકાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને માતૃભાષામાં સજ્જતા કેળવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જરૂર જણાયે આગામી દિવસોમાં પણ માર્ગદર્શન આપવામાં આવશે.
સેમિનારના પ્રતિભાવમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, આ સેમિનારમાં મેળવેલ માર્ગદર્શન વર્ગખંડમાં અમને ખૂબ ઉપયોગી થશે. આજે ઘણી નવી બાબતો શીખવા – જાણવા મળી છે. શ્રી શારદા વિદ્યામંદિરના પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી નિતલબહેન પટેલે માર્ગદર્શન આપવા બદલ શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શ્રી રામભાઈ પરમાર (આચાર્યશ્રી, માધ્યમિક વિભાગ – શ્રી શારદા વિદ્યામંદિર), શ્રી મોન્ટુભાઈ પટેલ (આચાર્યશ્રી, માધ્યમિક વિભાગ – માધવબાગ વિદ્યાભવન), ગોપીબહેન ભાવનગરિયા (આચાર્યાશ્રી, પ્રાથમિક વિભાગ- દીપ દર્શન વિદ્યાભવન), આશાબહેન પટેલ (ઉપાચાર્યશ્રી, પ્રાથમિક વિભાગ- દીપ દર્શન વિદ્યાભવન) વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.