ગ્રીન એનર્જી ક્ષેત્રે અદાણી ગ્રૂપનું વર્ચસ્વ, AGEL ની ઉત્પાદન ક્ષમતામાં 34% વૃદ્ધિ
ગ્રીન એનર્જી ક્ષેત્રે અદાણી ગ્રૂપનું વર્ચસ્વ, AGEL ની ઉત્પાદન ક્ષમતામાં 34% વૃદ્ધિ
પાવર પરચેઝ એગ્રીમેન્ટની પ્રતિબદ્ધતાઓ આગળ ધપાવવા અગ્રેસર
ગ્રીન એનર્જી ક્ષેત્રે અદાણી ગ્રૂપનું વર્ચસ્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની (AGEL) કાર્યક્ષમતામાં નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ છ મહિનામાં 34% નો વધારો નોંધાયો છે. હવે AGELની ઉત્પાદન ક્ષમતા 11,148 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ 2,418 મેગાવોટ સૌર ઉર્જા અને 450 મેગાવોટના વિન્ડ પ્લાન્ટ્સ સહિત ગ્રીનફિલ્ડના વધારા થકી સંચાલિત છે.
AGEL ક્ષમતા વૃદ્ધિ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અદાણી ગ્રીન એનર્જીએ 14,128 મિલિયન યુનિટના વેચાણ સાથે ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાવી છે. અદાણી ગ્રીન એનર્જીનું વેચાણ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 20 ટકા વધ્યું હતું. કંપનીના હાઇબ્રિડ પોર્ટફોલિયોએ 99.6% પ્લાન્ટની ઉપલબ્ધતા હાંસલ કરી છે.
મજબૂત વેપારવૃદ્ધિ સાથે કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં 49% નો ચક્રવૃદ્ધિ દર નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલી કંપનીની ઉત્પાદન ક્ષમતામાં 34 ટકાનો વધારો થયો હતો. પાવર પરચેઝ એગ્રીમેન્ટ પ્રતિબદ્ધતાઓને કંપની સતત આગળ વધારી રહી છે. COP28 ખાતે ‘યુટિલિટીઝ ફોર નેટ ઝીરો એલાયન્સ’માં જોડાનાર AGEL ભારતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કંપની છે.
અગાઉ અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે તે 50 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 2030 સુધીમાં રૂ. 2 ટ્રિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતાને વર્તમાન સ્તર 20,434 મેગાવોટ (ઓપરેશનલ અને એક્ઝિક્યુશન પ્રોજેક્ટ હેઠળ)થી વધારીને વર્ષ 2030 સુધીમાં 50 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક છે.
કંપનીએ જણાવ્યું હતું કે તે આગામી સાત વર્ષ સુધી દર વર્ષે સૌર અને પવન ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા લગભગ ત્રણ ગીગાવોટ ક્ષમતા બનાવવા માંગે છે. સૌર ઉર્જા ક્ષેત્રે વધતી ક્ષિતિજોને જોતા કંપની વિશ્વની સૌપ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવા અગ્રેસર છે.