ઓલપાડ પીઆઇના પુત્ર રૂદ્રએ સ્કેટિંગમાં સ્ટેટ લેવલે મેળવ્યો ગોલ્ડ મેડલ
ઓલપાડ પીઆઇના પુત્ર રૂદ્રએ સ્કેટિંગમાં સ્ટેટ લેવલે મેળવ્યો ગોલ્ડ મેડલ
મેડલો જીતવામાં અવ્વલ નંબરે પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવ સહિત પરિવારની બે પુત્રીઓને પણ અનેક મેડલો મળ્યા છે.
કાયદો વ્યવસ્થાનું સંચાલન અને પ્રજાની સુરક્ષા વચ્ચે અનેકવિધ મેડલો જીતવામાં ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનભાઈ જાદવ સહિત તેમનો પરિવાર અવ્વલ નંબરે રહ્યો છે.આ પોલીસ પરિવારનો આઠ વર્ષીય પુત્ર રૂદ્ર જાદવે સ્કેટિંગમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ જીતી પરિવારની યશ ક્લગીમાં વધુ એક મોર પિચ્છ ઉમેર્યું છે.જેના પગલે ચેતન જાદવના પરિવાર ઉપર તાલુકાની પ્રજાજનો સહિત પોલીસ બેડાએ અભિનંદન વર્ષા પાઠવી છે.
ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીઆઇ ચેતનભાઈ જાદવને અગાઉ ભારત સરકારના ગૃહ મંત્રાલયે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરી એવોર્ડ એનાયત કર્યો હતો.આ ઉપરાંત તેમને પોલીસ કામગીરી બદલ અનેકવિધ મેડલો મળ્યા છે.જયારે તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયન શીપમાં તેમની બે પુત્રીઓ પૈકી ૧૫ વર્ષીય પુત્રી યશ્વિએ સિલ્વર મેડલ તથા ૧૨ વર્ષીય પુત્રી નિષ્ઠા જાદવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ ઉપરાંત બંન્ને પુત્રીઓએ પણ અનેકવિધ મેડલો જીતી પરિવારનું નામ રોશન કર્યું છે.આ રોશનીમાં વધુ પ્રકાશ ફેલાવી તેમનો પુત્ર રૂદ્ર જાદવે સ્ટેટ લેવલની સ્કેટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
આઠ વર્ષીય રૂદ્ર જાદવ સુરત શહેરના પાલ ખાતેની ગજેરા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબી એસસી માધ્યમના બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.તેણે ગત તા.૦૮ મી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના લાડવી ખાતેની આર.એમ.જી.મહેશ્વરી સ્કુલ કેમ્પસમાં યોજાયેલ ગુજરાત કપ રોલર એથ્લેટિક સ્ટેટ ચેમ્પિયનશીપમાં અન્ડર ૦૮ યર બોયઝ રિક્રિએશનલ ઇનલાઇન સ્કેટ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ભાગ લીધો હતો.જે સ્પર્ધામાં રૂદ્ર જાદવે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી માતા-પિતા સહિત પોલીસ પરિવારનું નામ રોશન કર્યું છે.રૂદ્ર જાદવ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે.