BIS સુરત શાખા કચેરી દ્વારા ISI માર્ક વગર લેમિનેટેડ જિપ્સમ બોર્ડના ઉત્પાદન સામે તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી

BIS સુરત શાખા કચેરી દ્વારા ISI માર્ક વગર લેમિનેટેડ જિપ્સમ બોર્ડના ઉત્પાદન સામે તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી
સુરત: ભારતીય માનક બ્યુરો (BIS), સુરત શાખા કાર્યાલય દ્વારા શ્રી વિક્રાંત, નિયામક અને પ્રમુખના માર્ગદર્શન હેઠળ તારીખ 05 નવેમ્બર 2026ના રોજ M/s Classic Ceiling, સરનામું: 58, 59 અને 60, ધારા ઇન્ડસ્ટ્રિયલ, અટોદરા, ઓલપાડ, સુરત, ગુજરાત – 394130 ખાતે ફરજિયાત BIS માનક ચિહ્ન (ISI Mark) વિના લેમિનેટેડ જિપ્સમ બોર્ડનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની બાબતે સફળતાપૂર્વક તપાસ અને જપ્તી કરવામાં આવી હતી.
તપાસ અને જપ્તી અભિયાન દરમિયાન સંબંધિત એકમમાં ફરજિયાત ISI માર્ક વિના લેમિનેટેડ જિપ્સમ બોર્ડનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. આ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ની કલમ 17 તેમજ Gypsum Based Building Materials (Quality Control) Order, 2024ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ ગુણવત્તા નિયંત્રણ આદેશ હેઠળ IS 2095 (Part 2):2022 અનુસાર સંબંધિત ઉત્પાદન માટે BIS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.
આ અભિયાન દરમિયાન પરિસરમાં Armogyp Classic Ceiling બ્રાન્ડ નામ હેઠળ ઉત્પાદિત કુલ 302 લેમિનેટેડ જિપ્સમ બોર્ડ ISI માર્ક વિના મળી આવ્યા હતા, જેને નિર્ધારિત કાનૂની પ્રક્રિયા અનુસાર જપ્ત કરવામાં આવ્યા છે. તમામ બિનઅનુરૂપ ઉત્પાદનોને નિયમોનુસાર સીલ કરવામાં આવ્યા છે.
ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ની કલમ 29 અનુસાર, કલમ 17ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને વધુમાં વધુ બે વર્ષ સુધીની કેદ અથવા પ્રથમ ઉલ્લંઘન માટે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે. બીજા અને ત્યારબાદના ઉલ્લંઘનો માટે દંડની રકમ ઓછામાં ઓછી પાંચ લાખ રૂપિયા રહેશે. જોકે, આ દંડ સંબંધિત વસ્તુઓ અથવા ઉત્પાદનોના મૂલ્યના દસ ગણા સુધી થઈ શકે છે, જેનું ઉત્પાદન અથવા વેચાણ કરવામાં આવ્યું હોય, વેચાણ માટે રજૂ કરવામાં આવ્યું હોય અથવા જેના પર માનક ચિહ્ન (Standard Mark) લગાવવામાં આવ્યું હોય કે અંકિત કરવામાં આવ્યું હોય.
આ મામલે ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ફરિયાદ અને અભિયોજન સહિતની આગળની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ભારતીય માનક બ્યુરો એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે ફરજિયાત ગુણવત્તા નિયંત્રણ આદેશો હેઠળ આવતાં ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ નિર્ધારિત ભારતીય માનકો તથા જરૂરી BIS લાઇસન્સ અનુસાર જ કરવામાં આવે. માન્ય BIS લાઇસન્સ વિના ફરજિયાત પ્રમાણન હેઠળ આવતાં ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે તેમજ ઉત્પાદનની ગુણવત્તા અને સલામતી માટે સંભવિત જોખમ ઊભું થઈ શકે છે.
ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા તેમજ BIS માનક ચિહ્નના દુરુપયોગ અને અનધિકૃત ઉત્પાદનને અટકાવવાના હેતુથી BISને મળતી માહિતીના આધારે સમયાંતરે આવા તપાસ અને જપ્તી અભિયાનો હાથ ધરવામાં આવે છે.
સામાન્ય જનતાને અપીલ કરવામાં આવે છે કે જો તેમને BIS માનક ચિહ્નના દુરુપયોગ અથવા ફરજિયાત પ્રમાણન હેઠળ આવતાં ઉત્પાદનોનું માન્ય BIS લાઇસન્સ વિના ઉત્પાદન કે વેચાણ કરવામાં આવતું હોવાની કોઈ માહિતી મળે ભારતીય માનક બ્યુરો સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરદર્શન ભવન, કરીમબાદ વહીવટી ભવન,
ઘોડદોડ રોડ, સુરત – 395001 દૂરભાષ: 0261-2990071 જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



