ગુજરાત
સુરત જિલ્લામાં સંભવિત વરસાદી આફતને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ

- સુરત જિલ્લામાં સંભવિત વરસાદી આફતને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ
- ૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ: આશ્રયસ્થાનો, ફૂડ પેકેટ્સ અને બચાવ સાધનોની આગોતરી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ
- NDRF ની ૩અને SDRF ની ૪ ટીમો સુરત જિલ્લાને ફાળવાઈ
- સુરતમાં મુખ્ય કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નં. ૧૦૭૭ ઉપર બચાવ અને રાહત તેમજ વરસાદના કારણે મુશ્કેલી સંબંધિત મદદ મેળવી શકાશે
સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારના દિશાનિર્દેશ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય રબારીના માર્ગદર્શનમાં જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા વધુ સઘન તૈયારીઓ હાથ ધરાઈ છે. જિલ્લામાં દરેક તાલુકાની સ્થિતિ પર નજર રાખવા અને સંકલન વ્યવસ્થા સુદ્રઢ રાખવા જિલ્લાના પ્રત્યેક પ્રાંત અધિકારીઓને લાઈઝન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સરકારે NDRF ની ૩અને SDRF ની ૪ ટીમો સુરત જિલ્લાને ફાળવણી કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩,૪૧૬ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ૩૮૬૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે.
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી-લાઈઝન અધિકારીઓએ તેમના સંબંધિત તાલુકાઓમાં અધિકારી-કર્મચારીઓ સાથે બેઠકો યોજી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી અને આગોતરી તૈયારીઓનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કોઈપણ ગામ કે ચોક્કસ સ્થળે પાણી ભરાઈ જવાની તેમજ રાહત અને બચાવની સ્થિતિ ઊભી થાય તો સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર, વિવિધ આશ્રયસ્થાનો પર પીવાનું પાણી, ફૂડપેકેટ્સ, જરૂરી દવાઓ તથા જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા ડિઝાસ્ટર તંત્રના જણાવ્યા અનુસાર આપત્તિના સમયે જનમાલને થતું નુકસાન અટકાવવા અને ઘટાડવા માટે જરૂરી તકેદારીના પગલાંરૂપે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોની યાદી તેમજ આશ્રય માટેના સ્થળાંતરના સ્થળોની યાદી અદ્યતન કરી તૈયાર રાખવામાં આવી છે. કટોકટીની પળોમાં બચાવ કામગીરી ઝડપી બને તે હેતુથી દરેક જવાબદાર અધિકારીઓએ પોતાના સરકારી વાહનમાં રાહત અને બચાવના મૂળભૂત સાધનો જેવા કે ટોર્ચ, દોરડા અને લાઈફ જેકેટ વગેરે અનિવાર્યપણે સાથે રાખવા જણાવાયું છે. આ ઉપરાંત, ગ્રામ્ય પંથકોમાં ઝડપી સંવાદ અને સંકલન સાધી શકાય તે માટે દરેક ગામના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO)ના ટેલિફોન અને મોબાઈલ નંબર ધરાવતી ડિરેક્ટરીને અપડેટ કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ‘ઝીરો કેઝ્યુલ્ટી એપ્રોચ’ ને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું છે. આમ છતાં ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત પશુમૃત્યુ કે મકાન નુકસાન જેવા કિસ્સાઓમાં નિયમાનુસારની સહાય ચૂકવણીને સર્વોચ્ચ અગ્રતા આપી સત્વરે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવાઈ છે.
તમામ તાલુકાઓમાં બચાવ અને રાહત કાર્ય માટે ઉપયોગમાં લેવાતા તમામ સરકારી વાહનો તથા સાધનોનું યોગ્ય રિપેરિંગ કરાવી લેવામાં આવ્યું છે અને તમામ સંસાધનો સંપૂર્ણપણે કાર્યરત હોવાની ખાતરી કરી લેવાઈ છે. વરસાદની ચોક્કસ વિગતો મેળવવા માટે જિલ્લાના તમામ વરસાદ માપક યંત્રો ચાલુ હાલતમાં હોવાની પણ ચકાસણી કરાઈ છે. આપત્તિ સમયે ઉપયોગી એવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સાધનોની ભૌતિક ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે અને તમામ કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનને પણ અપડેટ કરી દેવાયો છે.
નાગરિકોની સુવિધા અને આપત્તિના ત્વરિત નિવારણ માટે શહેર, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. સુરતમાં મુખ્ય કંટ્રોલ રૂમ નં. ૧૦૭૭ ઉપર જરૂરી બચાવ અને રાહત તેમજ વરસાદના કારણે મુશ્કેલી સંબંધિત મદદ મેળવી શકાશે. હાલની સ્થિતિએ તા.૭ અને ૮ જુલાઈના સવારે ૧૨.૦૦ વાગ્યા સુધી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે કુલ ૯૦ ફરિયાદો રજિસ્ટર થઈ હતી, જે તમામ ફરિયાદોનો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું છે.
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર સાથે સંપર્ક અને સંકલનમાં છે અને ફરજ પરના અધિકારીઓ રાજ્યકક્ષાએથી મળતા દિશા નિર્દેશ અનુસાર સતત કામગીરી કરી રહ્યા છે.
આમ, સુરત જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સુસજ્જ છે.



