ગુજરાત

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ : તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ : તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ
આહવા: ડાંગ જિલ્લામાં સતત થઈ રહેલા અનરાધાર વરસાદને પગલે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો તથા જળભરાવવાળા સ્થળોથી દૂર રહેવા તેમજ ગાજવીજ દરમિયાન ખુલ્લા સ્થળે આશરો ન લેવા અપીલ કરવામાં આવે છે. તો ખેડૂતોને પણ પશુધનને સુરક્ષિત સ્થળે રાખવા તથા જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ તા. ૭મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ કલાકથી તા. ૮મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીના ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૨૧૫ મી.મી., સુબીર તાલુકામાં ૧૯૭ મી.મી. તથા વઘઈ તાલુકામાં ૧૩૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૮૨.૬૭ મી.મી. નોંધાયો છે.
જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
નાગરિકોને હવામાન વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. ૮મી જુલાઈ, ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૧:૦૦ કલાકે જાહેર કરાયેલા આગાહી મુજબ ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ તથા ૪૧ થી ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વીજળી પડવાની મધ્યમ સંભાવના પણ દર્શાવવામાં આવી છે.
દરમિયાન ડાંગ જિલ્લામાંથી પસાર થતા એકમાત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર : ૯૫૩ ઉપર (શામગહાન- માલેગામ-સાપુતારા રોડ) સાપુતારા થી 500 મીટર નીચે, ગણેશ મંદિર પાસે રોડ પર કાળમીંઢ ખડકો સાથે ભેખડ ઘસી આવતા વિભાગના લાશ્કરોએ તેને વરસતા વરસાદમાં તાત્કાલિક દૂર કરી, વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.
જ્યારે ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લામાં 29 ગ્રામીણ માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરી, તંત્રે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા કોઝવે, માઈનોર બ્રિજ અને માર્ગો પર પાણી ફરી વળતાં તા. ૮મી જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકની સ્થિતિ મુજબ જિલ્લાના કુલ ૨૯ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ૨૯ માર્ગો કોઝવે અને પુલ ઉપર પાણી ફરી વળવાના (ઓવરટોપિંગ) કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં વઘઈ તાલુકાના ૧૯ માર્ગો જે ૧. માછળી ચીખલા દિવડયાવન રોડ, ૨. ઘોડવહળ વી.એ. રોડ, ૩. આહેરડી બોરદહાડ રોડ, ૪. માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, ૫. ધાંગડી કાનાત ફળિયા રોડ, ૬. સુસરદા વી.એ. રોડ, ૭. મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, ૮. દગુનીયા વી.એ. રોડ, ૯. આહેરડી નડગચોંડ રોડ, ૧૦. ચિખલદા વી.એ. રોડ, ૧૧. ભદરપાડા ચિચોંડ રોડ, ૧૨. કાંચનપાડા થી સુરગાણા રોડ, ૧૩. બાજ મેઇન રોડ ટૂ મલિન રોડ, ૧૪. ગોદડીયા ટુ પાંડરમાળ રોડ, ૧૫. કાલીબેલ પાંડરમાળ વાંકન રોડ, ૧૬. ભેંસકાતરી કાકરદા ભોંગડીયા એન્જીપાડા રોડ, ૧૭. ભેંસકાતરી મેઇન રોડ ટુ આસરીયા ફળિયા રોડ (જુનો રોડ), ૧૮. વાંઝટઆંબા કોયલીપાડા રોડ, ૧૯. મેઇન રોડ ટુ આંબાપાડા ચિંચપાડા ઉંગા રોડ, જ્યારે આહવા તાલુકાના કુલ ૮ રસ્તાઓ બંધ થયા છે જેમાં ૧. બારીપાડા ચિરાપાડા રોડ, ૨.રાનપાડા ભાપખલ બારીપાડા રોડ, ૩. ચિકટીયા ગાઢવી રોડ, ૪. ભવાનદગડ ધુળચોંડ, ૫.આંમસરવળન રોડ, ૬.જાખાના કોટબદર રોડ, ૭.ગલકુંડ પાયરપાડા જામદર રોડ, ૮. શામગહાન ભુરાપાણી ચિરાપાડા રોડ, અને સુબીર તાલુકાના બે માર્ગો જેમાં
૧. કાકડવિહિર ખેરિન્દ્રા ચમારપાડા રોડ, ૨. હીદળા થી ધુડા રોડ, જે ઓવરટોપિંગના કારણે બંધ થવા પામ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે વરસાદી પરિસ્થિતિમાં પાણી ભરાયેલા કોઝવે, નાળા અથવા બંધ જાહેર કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તથા મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ પ્રવાસ કરે. જરૂરિયાત સિવાયની મુસાફરી ટાળવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ માર્ગો પર પાણીનું સ્તર ઘટતાં અને પરિસ્થિતિ સામાન્ય બનતાં તબક્કાવાર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તથા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button