સુપર ફૂડ મિલેટસને પ્રોત્સાહન આપવા માટે સુરતના આંગણે ત્રિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ‘ને ખૂલ્લો મૂકતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ

સુપર ફૂડ મિલેટસને પ્રોત્સાહન આપવા માટે
સુરતના આંગણે ત્રિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ‘ને ખૂલ્લો મૂકતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ
સુરત: ભારતના પરંપરાગત જાડા ધાન્યો (શ્રીઅન્ન)ને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠીત કર્યા છે. માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક શ્રીઅન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા.૧ થી ૩ માર્ચ, ૨૦૨૪ દરમિયાન ત્રિ-દિવસીય “મિલેટ મહોત્સવ”ને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ, દયાળજી અનાવિલ કેળવણી મડળ દયાળજી દેસાઇ ચોક ખાતે આયોજિત મિલેટ્સ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો, સખીમંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ૫૦ મિલેટ્સ સ્ટોલમાંથી ખરીદી કરવાની તક છે તેમજ શહેરીજનો મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી સુપરફુડની વાનગીઓનો સ્વાદ પણ માણી શકશે.
આ પ્રસંગે સંયુકત ખેતી નિયામક શ્રી કે. વી. પટેલે(વિસ્તરણ)જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ૨૦૨૩ના વર્ષને મિલેટસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે પ્રકૃતિ તરફ વળવુ પડશે. આજે ફાઈવસ્ટાર હોટેલોમાં મિલેટ્સની વાનગીઓનું ચલણ વધ્યું છે, જેથી ખેડૂતોએ મિલેટસ પાકોનું ઉત્પાદન વધારવું પડશે. નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે મિલેટસનો ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ.બી. ગામીતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મિલેટ્સની પાકોને પ્રોત્સાહન મળી રહે તે માટે આ વર્ષે પણ મિલેટ્સ મહોત્સવનું આયોજન કરાયું છે. જેનો શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, બાજરી, જુવાર, રાગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. જુવાર એ કલ્પ વૃક્ષ છે. તેની ૧૩ જાતો તથા ઘાસચારાની પાંચ જાતો છે, જેની ખેતી કરવા અને ખોરાકમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. સમગ્ર દેશમાં જુવારની બીડશીપની ૩૦ ટકા જાતની માંગ સુરતની હોવાનું દાવડાએ જણાવ્યું હતું.
આ અવસરે વિદ્યાર્થીઓએ મિલેટ્સની વાનગીઓનું મહત્વ દર્શાવતું નાટક ભજવીને મિલેટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ નિયામક (તાલીમ) એન.જી.ગામીત, જિલ્લા પંચાયત સદસ્ય રીટાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ તથા, સ્ટોલ ધારકો, મુલાકાતીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.