શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-2024

પલસાણા તાલુકાની લીંગડ પ્રાથમિક શાળામાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલે આંગણવાડી, ધો.1 અને બાળવાટિકામાં 19 ભુલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યોઃ
બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સુસંસ્કારિત કરવાની જવાબદારી નિભાવવાની છેઃ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
Surat Palsana News: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે પલસાણા તાલુકાની લીંગડ પ્રાથમિક શાળામાં ધો-1 માં 1, બાલવાટિકા-15, આંગણવાડીમાં 3 મળી કુલ 19 બાળકોને ઉમંગભેર શાળામાં પ્રવેશ કરાવ્યો. શાળાની બાળાઓ દ્વારા સુંદર ગીતો પર અભિનયકૃતિઓ રજૂ કરવામાં આવી.
આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવએ બાળકો અને વાલીઓમાં હકારાત્મકતાનું વાતાવરણ નિર્માણ કરનારો કાર્યક્રમ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની પ્રણાલી શરૂ કરી હતી જેના કારણે આજે બાળકો હસતાં હસતાં શાળાએ આવે છે અને આ શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શાળા આ ઉત્સવમાં બાળકોને પ્રવેશ કરાવે છે.
બાળકો આજે શાળામાં અભ્યાસ કરી ડૉક્ટર, એન્જિનિયર અને સારા નેતા પણ બની શકે છે માટે બાળકો ભણીને આગળ વધે તે માટે શિક્ષકો અને વાલીઓએ જાગૃત બનીને કાર્ય કરવું પડશે. આજના બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શાળામાં મળેલ દાતાઓનું ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા સન્માન કરાયું હતું. શાળા દરમિયાન 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓ, આરોગ્ય કાર્ડ ધરાવતા બાળકો અને શાળાના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે શાળામાં વૃક્ષારોપણ પણ કરાયું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓને સ્કૂલ બેગ, રમકડા, ચોકલેટની સાથે શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીમતી ભાવિનીબેન રાઠોડ, બીઆરપી કલ્પનાબેન પવાર, જિલ્લા પંચાયતના સભ્ય કાજબેન ચૌધરી, ગામના સરપંચ, તલાટી, ગામના દાતાઓ, આરોગ્ય કર્મચારીઓ, અગ્રણીઓ, વડીલો, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ, ભૂલકાઓ ઉપસ્થિત રહીને રંગેચંગે બાળકોને પ્રવેશ અપાવ્યો.