કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે નર્સિંગ સ્ટાફનું મહત્વનું યોગદાન રહ્યું છે: મેયર દક્ષેશભાઈ માવાણી

નવી સિવિલ ખાતે નર્સિંગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે સોફ્ટસ્કીલ અને પર્સનાલિટી ડેવલમપમેન્ટ કાર્યશાળાનો શુભારંભ કરાવતા મેયર દક્ષેશભાઈ માવાણી
સુરત:ગુરૂવાર: નવી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી નર્સિંગ કોલેજ સુરત અને ગ્લોરિયસ ઈન્ટરનેશનલ નર્સિંગ રિર્સચ અને એકેડમિક ફાઉન્ડેશના સંયુક્ત ઉપક્રમે નર્સિંગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે સોફ્ટસ્કીલ અને પર્સનાલિટી ડેવલમપમેન્ટ માટેનો ત્રિદિવસીય કાર્યશાળાનો મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સૌ પ્રથમ વખત આયોજીત સેમિનારમાં નર્સિંગ કોલેજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ સહભાગી બન્યા હતા. જેમાં દર્દી, દર્દીના સગા અને સમાજમાં વાણી, વર્તન અને વ્યવહારની સાથે વાર્તાલાપ, આરોગ્ય, શિક્ષણ અને દર્દીની કાળજી સહિતના વિવિધ વિષયો ઉપર રાજ્યસ્તરના તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. ત્રિ દિવસીય સેમિનારમાં નર્સિસ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઈમોશનલ ઈન્ટેલિજન્સ, ડિસીઝન મેકિંગ, અસરકારક વાર્તાલાપ, પ્રોફેશનલ અને સોશિયલ કાર્યશૈલી, ટીમ વર્ક અને હોસ્પિટલમાં દર્દીને દરેક સેવાઓ પૂર્વરત થઈ રહે તે અંગે નિષ્ણાંતો દ્વારા જાણકારી આપવામાં આવશે.
આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે નર્સિંગ સ્ટાફનું મહત્વનું યોગદાન રહ્યું છે. દર્દીઓ સાથે નર્સિંગ સ્ટાફે પારિવારીક માહોલમાં સારવાર આપી સેવાકીય પ્રવુત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના કાળ દરમિયાન હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ દર્દીઓની સેવા કરવાની ઉત્તમ તક મળી હોવાનું તેમણે જણાવ્યુ હતું.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, સુરતમાં નર્સિંગ ક્ષેત્રે કારર્કિદી બનાવવાની સુવર્ણ તક છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર હવે શિક્ષણ ક્ષેત્રે અગ્રસેર થઈ રહ્યું છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે નાની નાની બાબતો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે એમ કડીવાલાએ ઉમેર્યું હતું.
સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.ઇન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, નર્સિંગ અભ્યાસ સાથે પર્સનાલિટી ડેવલોપમેન્ટનું ખૂબ જ મહત્વ છે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કીલની સાથે આત્મવિશ્વાસ વધે છે. આ ઉપરાંત સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોફેશનલ વાર્તાલાપ અંગે સવિશેષ માહિતી પ્રદાન કરી હતી.
આ અવસરે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ના પૂર્વ સેક્રેટરી કિરણભાઈ દોમડિયા, સોફ્ટસ્કીલ ટ્રેનર રીયા કુંદનાની, પ્રિન્સીપાલ, નર્સિંગ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.