સુરત એરપોર્ટ પરથી ૨૭ કરોડના સોના સાથે ચાર ઝડપાયા

સુરત એરપોર્ટ પરથી ૨૭ કરોડના સોના સાથે ચાર ઝડપાયા
છેલ્લા ૧૫ દિવસમાં સુરત એરપોર્ટ પર ડીઆરઆઈના ઓપરેશનથી દાણચોરોમાં ફફડાટ
સુરત ડીઆરઆઈ દ્વારા એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી ૨૭ કરોડનું સોનુ લઈ આવી રહેલા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડીઆરઆઈએ કરેલી કાર્યવાહીના લીધે સ્મગલિંગથી સોનું લાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ડીઆરઆઈના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ એરપોર્ટ પર ગોઠવાઈ જઈ શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરી બહાર જઈ રહેલ ચાર જણાને ડિટેન કરી પૂછપરછ શરૂ કરી હતી અને બેગની તપાસ કરતા પેસ્ટ તરીકે સોનું મળી આવ્યું હતું. અત્યાર સુધીના કેસોમાં શરીરમાં પેસ્ટ તરીકે છુપાવીને લાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. પરંતુ આ રીતે ખુલ્લેઆમ બેગમાં પેસ્ટ તરીકે સોનું લઈ આવવાની પ્રથમ ઘટના બની છે. તપાસમાં અંદાજિત ૪૫ કિલો સોનું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જેની બજાર કિંમત અંદાજિત ૨૭ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ડીઆરઆઈએ ડિટેઈન કરેલા ચારેયની સખત પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈના અધિકારીઓનું માનવું છે કે આ લોકો ફક્ત કેરિયર છે અને તેઓ કોઈના ઈશારે કામ કરે છે. સોનું મંગાવનાર કોણ છે ત્યાં સુધી પહોંચવા માટે ડીઆરઆઈના અધિકારીઓ પરસેવો પાડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગનું મોનીટરિંગ હોવા છતાં ડીઆરઆઈ વધારે સક્રિય છે. ડીઆરઆઈએ બે અઠવાડિયામાં ત્રીજી વાર એરપોર્ટ પર કાર્યવાહી કરી સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. જાકે આજે મોટા પાયે ડીઆરઆઈએ કરેલી કાર્યવાહીના લીધે સ્મગલિંગથી સોનુ લાવનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.