શિક્ષા

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો

જુસ્સો અને અલગ માર્ગે ચાલવાની હિંમત સફળતાની રેસીપી: અદાણી

 

શિક્ષક દિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મુંબઈની જય હિંદ કોલેજના એક ખાસ કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે તેમના જીવનના સ્મરણીય અનુભવો અને સંઘર્ષો શેર કર્યા હતા. સફળતાના માર્ગમાં આવતા માનસિક અવરોધોને દૂર કરવા તેમણે મહત્વની ટિપ્સ પણ આપી હતી. 

 

જેટલી મોટી બાઉન્ડ્રી તોડશો એટલી હરીફાઈ ઓછી!

ગૌતમ અદાણીએ કહ્યું કે જો તમે ઉંચા સ્વપ્ન જોવાનું રાખશો તો, તેને સાકાર કરી શકશો. તમે જેટલી મોટી મર્યાદા તોડશો એટલી હરીફાઈ ઓછી થશે.” પોતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “મેં 16 વર્ષની ઉંમરે પહેલીવાર સીમાઓ તોડી હતી. હું અમદાવાદમાં અભ્યાસ છોડીને મુંબઈ આવ્યો હતો. મુંબઈ માત્ર એક શહેર જ નથી. તે મારા વ્યવસાયનું તાલીમ કેન્દ્ર પણ છે. મુંબઈએ મને ઉંચ્ચ વિચારો અને ઉંચા સપનાઓ પૂરા કરવાનું શીખવ્યું.” 

 

સપના જોવાની હિંમત કરવી પડશે..

ગૌતમભાઈએ કહ્યું હતું કે, “વ્યાપારનું ક્ષેત્ર એક સારો શિક્ષક બનાવે છે. હું ઘણા સમય પહેલા શીખ્યો હતો કે એક ઉદ્યોગસાહસિક તેની સામેના વિકલ્પોનું વધુ પડતું મૂલ્યાંકન કરીને ક્યારેય સ્થિર રહી શકતો નથી. તમારે પહેલા તમારી મર્યાદાઓથી આગળ સપના જોવાની હિંમત હોવી જોઈએ.” 

 

અદાણીએ 1980ના દાયકામાં સંઘર્ષ કરી રહેલા નાના ઉદ્યોગોને સપ્લાય કરવા માટે પોલિમરની આયાત કરવા માટે ટ્રેડ કોન્સોર્ટિયમની રચના કરી હતી. “જ્યારે હું 23 વર્ષનો થયો, ત્યારે મારો વ્યવસાય સારો ચાલી રહ્યોં હતો. 1998 માં તેમની કોમોડિટી ટ્રેડિંગ કંપની શરૂ કર્યા પછી, અદાણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. અઢી દાયકામાં, તેમની કંપનીઓએ બંદરો, ખાણો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, સિટી ગેસ, રિન્યુએબલ એનર્જી, સિમેન્ટ, રિયલ એસ્ટેટ, ડેટા સેન્ટર્સ અને મીડિયા જેવા ક્ષેત્રોમાં આગવી ઓળખ ઉભી કરી છે.

 

તેમણે 1991ના આર્થિક ઉદારીકરણ પછી પોલિમર, ધાતુઓ, કાપડ અને કૃષિ-ઉત્પાદનોમાં વેપાર કરતા વૈશ્વિક બિઝનેસ હાઉસની સ્થાપના કરી. ત્યારે તેની ઉંમર માત્ર 29 વર્ષની હતી. અદાણીએ જણાવ્યું હતું કે, “બે વર્ષમાં અમે દેશનું સૌથી મોટું વૈશ્વિક બિઝનેસ હાઉસ બની ગયા હતા. પછી મને ઝડપ અને સ્કેલ બંનેનું સંયુક્ત મૂલ્ય સમજાયું.

 

IPO લાવવાનો મારો નિર્ણય સફળ રહ્યો

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ 1994માં અમે નક્કી કર્યું હતું કે હવે લિસ્ટેડ થવાનો સમય છે અને અદાણી એક્સપોર્ટ્સ તેના IPO સાથે બહાર આવી. જે હવે અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખાય છે. IPO લોન્ચ કરવાનો નિર્ણય સફળ રહ્યો અને મને જાહેર બજારોનું મહત્વ સમજાયું.” પહેલા યથાસ્થિતિને પડકારીને શરૂઆત કરવી પડશે અને મજબૂત પાયો નાંખવો પાડવો પડશે. 

 

ટીકા કરવી સહેલી, પરંતુ તેને સુધારવી મુશ્કેલ 

અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે, “વર્તમાન પરિસ્થિતિની ટીકા કરવી સહેલી છે, પરંતુ તેને સુધારવી પણ એટલી જ મુશ્કેલ છે. કોઈપણ વસ્તુની ટીકા કરવાને બદલે આપણે તેને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે મુશ્કેલીઓને દૂર કરવાનું શીખે છે તેને જ સફળતા મળે છે.”

 

જુસ્સો અને અલગ માર્ગે ચાલવાની હિંમત એ સફળતાની રેસીપી 

ગૌતમભાઈએ કહ્યું હતું કેદરેક વ્યક્તિનો એક રોલ મોડલ હોય છે. જે તમને તમારા સંઘર્ષ દરમિયાન પ્રેરિત કરે છે. જેનાથી રસ્તામાં આવતી બાધાઓ પાર કરીને, આખરે તમે તમારી મંઝિલ પર પહોંચો છો.” તેમણે ઉમેર્યુ હતું કે, “સફળતાની રેસીપી દરેક માટે અલગ-અલગ હોય છે. મારા માટે સફળતાની રેસીપી એક જ છે – જુસ્સો અને અલગ માર્ગ પર ચાલવાની તાકાત એ મારી સફળતા માટેની રેસીપી છે.”

 

હિન્ડેનબર્ગનો હુમલો ગણતરીપૂર્વકનું કાવતરું

અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે, “હિંડનબર્ગનો હુમલો એક ગણતરીપૂર્વકની ચાલ હતી. તે અમારી ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) બંધ થયાના થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. વાસ્તવમાં, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અમને મહત્તમ નુકશાન પહોંચાડવા કાવતરું કરવામાં આવ્યું હતું. 

 

અમારા પગલાંઓ પર સુપ્રીમ કોર્ટેની મહોર

ગૌતમભાઈએ કહ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે પણ અમારા પગલાંની પુષ્ટિ કરી છે. હિંડનબર્ગ કેસમાં અદાણી જૂથે ઘણા પાઠ શીખ્યા. આમાંનો સૌથી મોટો પાઠ એ હતો કે વાસ્તવિક સરહદો તોડવાનો અર્થ ફક્ત બાહ્ય પડકારોને દૂર કરવાનો નથી. તેનો અર્થ છે માનસિક અવરોધોને તોડવા, તે જ સમયે વાસ્તવિક કસોટી શરૂ થાય છે.

 

EBITDA રેશિયો 2.5 ગણો ઘટ્યો

અદાણીએ જણાવ્યું હતું કે, “અમારી ફ્લેક્સીબીલીટીને સાબિત કરવા અમે અન્ય સ્ત્રોતોમાંથી કેટલાક હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. અમે સક્રિયપણે EBITDA રેશિયોમાં 2.5 ગણો ઘટાડો કર્યો છે. આ વિશ્વની સૌથી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ માટે પણ એક મહત્વની સંખ્યા છે.”

 

સૌથી ખરાબ સમયમાં સૌથી સારું પ્રદર્શન 

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “આમ જોઈએ તો અમારું ઓલ-ટાઇમ રેકોર્ડ નાણાકીય પરિણામ સૌથી ખરાબ સમય દરમિયાન આવ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચના હુમલા દરમિયાન પણ અમારી વ્યવસાય પ્રતિબદ્ધતામાં કોઈ ઘટાડો થયો ન હતો. વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા અમને ખૂબ સમર્થન મળ્યું હતું. આ સાથે, અમને નાણાકીય સમુદાયો અને GQG પાર્ટનર્સ, ટોટલ એનર્જી, IHC, QIA અને યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન જેવા રોકાણકારોએ ટેકો આપ્યો હતો.”

 

કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક 

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેઓ હવે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યા છે અને મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીનો પુનર્વિકાસ કરી રહ્યા છે. “જો કે અમે એરપોર્ટ, બંદરો, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક ઉદ્યાનો અને ઉર્જા ક્ષેત્રે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃવ્યાખ્યાયિત કરવામાં મદદ કરી છે, પરંતુ તે પુરતું નથીપડકારોનો સામનો કરી તેને પાર કરવાની માનસિકતાએ અદાણી ગ્રુપની સફરને સુંદર રીતે સાકાર કરી છે.

 

ધારાવી પુનર્વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા

ધારાવી પ્રોજેક્ટના મહત્વનો ઉલ્લેખ કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ધારાવી માત્ર એક પ્રોજેક્ટ જ નથી, પરંતુ તે ત્યાં રહેતા લોકોના ગૌરવની વાત છે. અદાણી ગ્રુપ આ કામ સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ કરશે.” 640 એકરમાં ફેલાયેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના પુનઃવિકાસ માટે અદાણી જૂથે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP)માં રૂ. 2000 કરોડનું રોકાણ કર્યું છે.

 

મુંબઈમાં ધારાવીને અંગ્રેજોએ વસાવી હતી. કોમર્શિયલ પ્રોપર્ટીની દ્રષ્ટિએ દેશનો સૌથી મોંઘો વિસ્તાર છે. આ ઝૂંપડપટ્ટી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેટલી છે. અહીં કેટલા લોકો રહે છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. પરંતુ એક અંદાજ મુજબ 8 લાખ લોકો અને લગભગ 13 હજાર નાના ઉદ્યોગો પણ છે.

 

જે કોલેજે રિજેક્ટ કર્યા, તેણે જ પ્રવચન માટે આવકાર્યા!

1970ના દાયકામાં શિક્ષણ માટે મુંબઈની એક કોલેજમાં અરજી કરી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દીધી હતી. તેમણે વધુ અભ્યાસ ન કર્યો હતો પરંતુ વ્યવસાય તરફ વળ્યા અને લગભગ સાડા ચાર દાયકામાં 220 અબજ ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું. એ જ જયહિંદ કોલેજમાં શિક્ષક દિને વિદ્યાર્થીઓને પ્રવચન આપવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. 

ગૌતમ અદાણીને ભૂતપૂર્વ વિદ્યાર્થીનો દરજ્જો આપતાં નાનકાણીએ કહ્યું, ‘સદનસીબે કે કમનસીબે, કોલેજે તેમની અરજી સ્વીકારી ન હતી અને તેમણે પોતાની રીતે કામ કરવાનું શરૂ કરી વૈકલ્પિક કારકિર્દી બનાવી.‘ 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button