કારકિર્દી

સરકારી સહાયથી મળી નવી ઉડાન: સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિનો દિકરો મિલન પટેલ બન્યો પાયલોટ

સરકારી સહાયથી મળી નવી ઉડાન: સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિનો દિકરો મિલન પટેલ બન્યો પાયલોટ

ગુજરાત સરકારની કોમર્શિયલ પાયલોટ લોન સહાયથી આદિજાતિ પરિવારના મિલને અમેરિકામાં તાલીમ લઈ પાયલોટ બનવાનું સપનુ સાકાર કર્યુંટ ઇન્ડિગો એરમાં નોકરી મેળવી

આદિજાતિ યોજનાનો સાર્થક ઉપયોગ: કોમર્શિયલ પાયલોટ બની મિલને અન્ય યુવાનોને આપી પ્રેરણા

શિક્ષણ, સંકલ્પ અને સરકારની સહાયથી આદિજાતિ વિદ્યાર્થીએ આકાશમાં ભરી ઉડાન

આકાશ આંબવાની પ્રેરણા મને સરકારની સહાયથી મળી: પાયલોટ મિલન અજિતભાઈ 

રાજ્ય સરકાર આધુનિક યુગના નવયુવાનોને વિશ્વસ્તરે સફળ બનાવવા સતત પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ સહાય યોજનાઓ અમલી છે, જેથી યુવાનો આત્મનિર્ભર બને, સમાજ માટે આદર્શ બની દેશના વિકાસમાં નોંધપાત્ર ભાગીદારી નોંધાવી શકે. આવી જ એક પ્રેરણાત્મક યાત્રા છે, સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિના પુત્ર મિલન પટેલની, જેમણે પાયલોટ બની કોમર્શિયલ પાયલોટ બની અન્ય યુવાનોને આકાશને આંબવાની પ્રેરણા આપી છે. શિક્ષણ, સંકલ્પ અને સરકારની સહાયથી આદિજાતિ પરિવારના મિલન પટેલે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે.
મિલન અજિતભાઈ પટેલ હાલ ઇન્ડિગો (IndiGo) એરમાં પાયલોટ તરીકે પસંદગી પામ્યો છે, અને થોડા દિવસોમાં જ ફરજ પર હાજર થશે. પોતાના જીવનના સંઘર્ષ અને સપનાની ઉડાન વિશે જણાવતાં કહ્યું કે, એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ દરમિયાન પાયલોટ બનવાનો વિચાર દ્રઢ થયો. અભ્યાસ દરમિયાન એર ઇન્ડિયામાં એક મહિના માટે ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો. આ દરમિયાન વિવિધ પ્રકારના વિમાનો અને ખાસ કરીને કોકપિટ જોવા મળ્યા અને આ અનુભવથી રોમાંચકારી હતો. એ સમયે નક્કી કર્યું કે હવે પાયલોટ જ બનવું છે. માતાપિતાને પોતાના સપના અને લક્ષ્ય વિષે જાણ કરી. તેઓએ પણ પુત્રના સપનાને સાકાર કરવા માટે સહકાર અને મંજૂરી આપી.
મિલને જણાવ્યું કે, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા મળતી રૂ.૨૫ લાખની કોમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના વિશે માહિતી મળી. માંડવી તાલુકાના પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા જ સમયમાં લોન મંજૂર થઈ ગઈ. આર્થિક સહાય મળતાં યુ.એસ. (અમેરિકા) જઈને કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ અને તાલીમ મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારતમાં પરત ફર્યો અને પાયલોટ લાયસન્સ ઇન્ડિયા માટે કન્વર્ટ કરાવ્યું.
ત્યારબાદ જલગાંવ સ્થિત સ્કાયનેક્સ એરોમાંથી મલ્ટી એન્જિન ટ્રેનિંગ મેળવી અને ભારતીય એરટફ વિમાનોની તાલીમ માટે કોલંબિયા પણ ગયો. તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઇન્ડિગો કંપનીના દરેક રાઉન્ડ સફળતાપૂર્વક પસાર કરતા નોકરી મળી.
મિલન કહે છે કે, નાનપણમાં હમેશા લાગતું કે પાયલટ બનવું ખૂબ જ અઘરું છે, અને ખૂબ ખર્ચાળ છે. પણ જ્યારે ગુજરાત સરકારની આદિજાતિ યોજના હેઠળ કોમર્શિયલ પાયલોટ બનાવા માટે લોન સહાય મળી ત્યારે લાગ્યું કે જો ઈચ્છા હોય તો રસ્તા સરળ બની જાય છે અને કોઈ હકારાત્મક શક્તિ કે ઉર્જા તમારા માટે રસ્તો કરી આપે છે.
તેમણે વધુમાં કહ્યું, ગામડાંના વિદ્યાર્થીઓને ઘણીવાર ઉચ્ચ અભ્યાસ કરવો મુશ્કેલ બની જતો હોય છે, પણ આજે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓએ છેવાડાના ગામના વિદ્યાર્થીઓના સપનાને સાકાર કર્યા છે. જેમ મને સાફળતા મળી છે, એવી દરેક યુવાન મળી શકે છે, જો તેઓ સરકારની શૈક્ષણિક યોજનાનો સાચી દિશામાં લાભ મેળવશે.
મારા જેવા અનેક વિદ્યાર્થીઓ માટે સરકારની શૈક્ષિણક યોજના આશીર્વાદરૂપ બની છે જેનો શ્રેય મિલને રાજ્ય સરકારને આપ્યો હતો.

જીવનભરના સંસ્કાર અને મહેનતના કારણે દિકરો પાયલોટ બન્યો
દીકરાની પાયલોટ તરીકેની સફળતા પર માતા-પિતા ખૂબ ગર્વ અનુભવે છે. પિતા અજિતભાઈ અને માતા જ્યોત્સનાબેન કહે છે કે, અમારા માટે આ માત્ર પુત્રની સફળતા નહીં, પણ જીવનભરના સંસ્કાર અને મહેનતનું પરિણામ છે. જ્યારે મિલને પહેલી વખત પાયલોટનો ડ્રેસ પહેર્યો ત્યારે લાગ્યું કે અમારા સપનાને પણ પાંખો મળી ગઈ.”

શૈક્ષણિક મહેનતથી સફળતાની ઉડાન સુધી પાયલોટ મિલન પટેલની સફળતાની યાત્રા


મિલન પટેલે મહુવાની જી.એચ. ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલમાંથી ૨૦૧૩માં ધો.૧૦ પાસ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૫માં સુરતની પી.પી. સાવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાંથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ પૂર્ણ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-વાસદમાંથી ૨૦૧૯માં એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ અભ્યાસ દરમિયાન ૨૦૧૮માં તેમને એર ઇન્ડિયામાં એક મહિનાની ઇન્ટર્નશિપ કરવાની તક મળી, જેણે પાયલોટ બનવાની દિશામાં પ્રેરણા આપી. ૨૦૨૧માં અમેરિકા સ્થિત Treasure Coast Flying Training Institute, Stuart, Florida માંથી કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ શરૂ કરી, અને ૨૦૨૨માં સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યો.
ભારતીય લાયસન્સ માટેની પરીક્ષાઓમાં પણ ઉત્તીર્ણ: ભારતમાં ઉડાવશે પ્લેન
અમેરિકામાં કોમર્શિયલ પાયલટ તરીકે તાલીમ પૂર્ણ કર્યા પછી મિલન ભારત પરત ફર્યો ત્યારે તેની સફર ત્યાં અટકી ન હતી. Directorate General of Civil Aviation (DGCA) નિયમો અનુસાર, વિદેશી પાયલટ લાયસન્સને માન્યતા આપવા માટે કેટલીક લાયકાત પરીક્ષાઓ પાસ કરવી જરૂરી હોય છે. મિલને ભારત પરત આવીને નેવિગેશન, એર રેગ્યુલેશન્સ અને મીટિયરોલોજી જેવા વિષયોમાં પાયલટ લાયસન્સ માટેની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી. તેમજ સાથે Certificate of Proficiency in Radiotelephone પણ પ્રાપ્ત કર્યું.

શિક્ષિત આદિજાતિ યુવક-યુવતીઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન મળે છે

રાજ્યના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન સહાય વાર્ષિક ૪ ટકા દરે મળવાપાત્ર છે. યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. અરજદારે મેટ્રીક્યલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ. આ પાયલોટ તાલીમ લોન માટે આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે. આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીની કચેરી મારફતે અરજી કરવાની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિ નિગમની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in , જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button