આજથી ક્રિકેટનો ‘મહાસંગ્રામ

આજથી ક્રિકેટનો ‘મહાસંગ્રામ ’: અમદાવાદમાં ગુજરાત-ચેન્નાઈ ટકરાશે: ઑપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ મચાવસે ધમાલ
અમદાવાદઃ ભારત જ નહીં બલ્કે આખા વિશ્વના ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ગ્લેમર અને નાણાંથી ભરપૂર એવી આઈપીએલ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે સાંજે 7:30 વાગ્યાથી ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે.
આજથી બે મહિના સુધી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિકેટનું ધડાધડ પતન, કાંટે કી ટક્કર સમી મેચનો રોમાંચ જોવા મળશે. આજે મુકાબલો શરૂ થાય તે પહેલાં ધમાકેદાર ઓપનિંગ સેરેમેની યોજાશે જેમાં બોલિવૂડના સ્ટાર કલાકારો ધમાલ મચાવતાં જોવા મળશે. અંદાજે ચાર વર્ષ બાદ આઈપીએલમાં ફરી ઓપનિંગ સેરેમનીની વાપસી થઈ છે. ઓપનિંગ સેરેમનીનો પ્રારંભ સાંજે 6 વાગ્યાથી થશે જેમાં એક લાખથી વધુ ક્રિકેટરસિકો હાજર રહે તેવી શક્યતા છે.
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયક અરિજીત સિંહની સાથે અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાના પણ પરફોર્મન્સ કરતી જોવા મળશે. આ ઉપરાંત કેટરીના કૈફ અને ટાઈગર શ્રોફ પણ ધૂમ મચાવતો જોવા મળી શકે છે. આ સેરેમનીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ-1, સ્ટાર સ્પોર્ટસ એચડી-1, સ્ટાર સ્પોર્ટસ-હિન્દી, સ્ટારસ્પોર્ટસ હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટસ-1 તમીલ, સ્ટાર સ્પોર્ટસ-1તેલુગુ અને સ્ટાર સ્પોર્ટસ-1 કન્નડ ઉપર લાઈવ થશે. ચાહકો ઓપનિંગ સેરેમનીને જિયો સિનેમાની વેબસાઈટ અને એપ્લીકેશન ઉપર મફતમાં જોઈ શકશે.
જ્યારે મુકાબલાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-ચેન્નાઈ વચ્ચે મુકાબલો થશે. ધોની-હાર્દિકની ટીમ વચ્ચે રમાનારી આ મેચ રોમાંચક બની રહેવાની પૂરેપૂરી સંભાવના છે. બન્ને ટીમોએ પાછલી સીઝનમાં બે મેચ રમી હતી અને બન્નેમાં હાર્દિકની ટીમ વિજેતા બની હતી. ગુજરાતની નજર ચેન્નાઈ પર જીતની હેટ્રિક લગાવવા પર રહેશે. જ્યારે ધોનીની ટીમ ગુજરાત ઉપર પહેલી જીત મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે.
41 વર્ષ 266 દિવસનો ધોની લીગનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તે 2008થી રમી રહ્યો છે. સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. તે અત્યાર સુધીમાં 234 મેચ રમી ચૂક્યો છે. ધોની અને કાર્તિક જ બે એવા વિકેટકિપર છે જેમણે વિકેટ પાછળ 150થી વધુ કેચ કર્યા છે.