કાનપુરની કાપડ માર્કેટમાં ભીષણ આગ, 800 દુકાનો સ્વાહા
- કાનપુરની કાપડ માર્કેટમાં ભીષણ આગ, 800 દુકાનો સ્વાહા
- ફાયર બ્રિગેડ ઉપરાંત સેના, એરફોર્સ, પોલીસ અને NDRFની ટીમોની યુદ્ધના ધોરણે કામગીરી, અનેક લોકો લાપતા
- યુપીના કાનપુર સ્થિત બાંસમંડી વિસ્તારના હમરાજ કોમ્પ્લેક્ષના એ. આર. ટાવરમાં રાત્રે એકાદ વાગ્યાથી ભીષણ આગ ફાટી નીકળી છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ વિકરાળ આગમાં 800 જેટલી કાપડની દુકાનો બળી સ્વાહા થઈ છે અને બે અબજથી વધુ રૂપિયાના નુક્સાનનો અંદાજ છે.
આગની જાણ બાદ બે ડઝન જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને આગ ઉપર કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગે વધુ ભીષણ સ્વરૂપ લેતાં આસપાસના જિલ્લાઓ, શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. એટલું જ નહીં, સ્થિતિ વધુ ગંભીર બનતાં પોલીસ ઉપરાંત સૈન્ય, વાયુસેના અને NDRFની ટીમને પણ મદદે લેવામાં આવી છે. એ. આર. ટાવરમાં લાગેલી આગ વધુ ફેલાઈ હતી અને આસપાસના નફીસ ટાવર, અર્જૂન કોમ્પ્લેક્ષ, મસૂદ કોમ્પ્લેક્ષ-1 અને મસૂદ કોમ્પ્લેક્ષ-2 સુધી ફેલાઈ છે. આ માર્કેટોમાંથી પણ ધુમાડાના ગોટેગોટા નીકળવા શરૂ થયા છે અને સ્થિતિ વધુ ગંભીર બનવા તરફ જઈ રહી છે.
સૂત્રો જણાવે છે કે આગ ઉપર કાબુ લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હમરાજ કોમ્પ્લેક્ષની આસપાસનો 1 કિ.મી.નો સરાઉન્ડીંગ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. કોમ્પ્લેક્ષની આસપાસની માર્કેટો તેમજ દુકાનો ખાલી કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધીની આગમાં અંદાજે રૂ. 2000 કરોડથી વધુના નુક્સાનનો અંદાજ માનવામાં આવી રહ્યો છે.