ગુજરાત

સાધલીમાં સરદાર પટેલની પ્રતિમાની અવગણના : ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપ

સાધલીમાં સરદાર પટેલની પ્રતિમાની અવગણના : ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપ

 

શિનોર તાલુકાના સાધલી ગામે બસ સ્ટેન્ડ સામે સ્થાપિત અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આજુબાજુ ભારે ગંદકી, ધૂળ અને બેદરકારી જોવા મળી રહી છે. પ્રતિમા પર ધૂળ જામી હોવા ઉપરાંત આસપાસ દૂષિત કચરો ફેલાયેલો છે, જે રાષ્ટ્રીય પ્રતિમાનું અપમાન સમાન હોવાનું સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે તા. ૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી કેવડિયા સુધી નીકળેલી ‘એકતા યાત્રા’ સાધલી મુકામે આવનાર હતી. આ પ્રસંગે સાધલી ગ્રામ પંચાયત દ્વારા બજેટમાં જોગવાઈ ન હોવા છતાં પણ તાત્કાલિક સાફ-સફાઈ, પ્રતિમાની આજુબાજુની રેલિંગને રંગકામ તેમજ જેસીબી દ્વારા માટી હટાવવાના કામો બજેટ બહારથી કરવામાં આવ્યા હતા. યાત્રા પૂર્વે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની હાજરીમાં માત્ર એક દિવસ પૂરતી ‘દેખાવડી’ સાફ-સફાઈ કરાવવામાં આવી હતી.

પરંતુ યાત્રા પૂર્ણ થયા બાદ ફરીથી બેદરકારી સામે આવી છે. હાલ પ્રતિમા પર ધૂળ જામી છે, રેલિંગ આસપાસ ગંદકી જોવા મળે છે. વધુમાં, તા. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ચડાવાયેલા હાર-તોરણો દસ દિવસ વિતી ગયા છતાં પણ હટાવવામાં આવ્યા નથી. હાર સુકાઈ ગયા હોવા છતાં તે યથાવત્ રાખવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય પ્રતિમાનું અવમૂલ્યન ગણાય.

આ સમગ્ર પરિસ્થિતિ પરથી સાધલી ગ્રામ પંચાયત દ્વારા જાણે-અજાણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન રાષ્ટ્રીય પ્રતિમાનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનો સ્પષ્ટ આક્ષેપ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયત તાત્કાલિક કાર્યવાહી કરી પ્રતિમાની યોગ્ય દેખરેખ અને નિયમિત સાફ-સફાઈ કરે તેવી માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button