તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું
જ્ઞાતિજનો ઉપરાંત તળાજા અને આજુબાજુના વિસ્તારોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધોઃ જ્ઞાતિજનો દ્વારા મહાસંમેલનમાં આવી વધુ સેવાભાવી પ્રવૃત્તિઓ કરવાનો નિર્ધાર કરાયો
તળાજાઃ તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં તળાજા ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં જ્ઞાતિજનો ઉપરાંત તળાજા અને આજુબાજુના વિસ્તારોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
તળાજા ખાતે દરવર્ષે તુલજા ભવાની માતાજીના પાટોત્સવ વખતે જ્ઞાતિજનો દ્વારા કંઈક નવું કરવાની કોશીશ રહેતી હોય છે, જેમાં આ વખતે જ્ઞાતિના જ ડોક્ટરોની ટીમે વિનામૂલ્યે નિદાન કરીને કેટલાંય લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં જ્ઞાતિના અનુભવી ડો. જનકભાઈ ભટ્ટની આગેવાનીવાળી તેમની યુવા ટીમના ડોક્ટરોમાં ડો. હર્ષ ભટ્ટ, ડો. વૃંદા ત્રિવેદી, ડો. ખ્યાતિ ઉપાધ્યાય, ડો. દર્શક ભટ્ટ તથા ડો. સ્તુતિ દેસાઈ (પીટી) દ્વારા ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાય લોકોને ગંભીર કહી શકાય તેવા રોગોનું પણ નિદાન થયું હતું અને તેમને શું સારવારની જરૂર છે તેની સલાહ પણ આ ડોક્ટરોની ટીમ દ્વારા પૂરી પડાઈ હતી.
પાટોત્સવ દરમિયાન જ્ઞાતિનું મહાસંમેલન પણ યોજાતું હોય છે, જેમાં આવા સેવાના વધુ કાર્યો હાથ ધરાય તે માટે નિર્ધાર કરાયો હતો. આ ઉપરાંત માતાજીના નૂતન મંદિરના નિર્માણ માટે હવે આગળનો વિસ્તૃત પ્લાનની ચર્ચા પણ કરાઇ હતી. જ્ઞાતિના અગ્રણીઓ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં જ્ઞાતિને લગતા ઘણા કામોમાં ફેરફારની શું જરૂર છે તેની વિગતવાર માહિતી અપાઇ હતી.



