દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો

દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો
ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ
આરોપી પત્નીના ચેકો ગાંધીનગર એફએસએલમાં મોકલાયા અને હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય તેણીની તરફેણમાં આવ્યો, જયારે પતિને માલ મળ્યાનું પુરવાર ન થયું : બંનેનો છુટકારો
સુરત : દસ વર્ષ જૂના 80 લાખ ઉપરાંતના ઉલ્લાસ નગરના વેપારી દંપતિ સામેના ચેક રીટર્ન કેસમાં પત્નીની સહી પુરવાર થઈ ન હતી. જયારે પતિને માલ મળ્યા નું પુરવાર થયું ન હતું. જેમાં પત્નીની સહીવાળા ચેકો ગાંધીનગર એફએસએલ માં હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે પણ મોકલવામાં આવ્યા હતા અને તેમાં બચાવ પક્ષની રજૂઆતને સફળતા મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના રીંગરોડ સ્થિત ટી.ટી. ટાવરમાં કાપડની દુકાન ધરાવતા અશોક મનસુખાની અને તેમની પત્ની પૂજા મનસુખાનીએ મહારાષ્ટ્ર ખાતેના ઉલ્લાસનગરના વેપારી દંપતી અનુક્રમે રોશની ભાટિયા અને મનોહર ભાટિયા સામે વર્ષ 2016 માં અત્રેની કોર્ટમાં ચેક રિટર્નના અલગ-અલગ છ કેસો કર્યા હતા. આ દંપતિ ઉપર 1 કરોડ ઉપરાંતનો કાપડનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાનો આરોપ હતો. જેમાં પત્ની રોશની સામે રૂપિયા ૭૦,૦૧,૩૮૦ અને પતિ મનોહર સામે રૂપિયા ૧૦,૪૮,૦૦૦ નું લેણું વસૂલવા કેસો કરવામાં આવ્યા હતા. દસ વર્ષથી વધુ ચાલેલા આ તમામ કેસોમાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી. જેમાં તેમણે પત્નિના કેસમાં આરોપીની ચેક પરની સહી પડકારી હતી અને તમામ ચેકો હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જયાંથી તકરારી ચેકો ઉપર આરોપી રોશની ભાટિયાની સહી ન હોવાની વાતને સમર્થન મળ્યું હતું. જેથી કોર્ટે તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતાં.
જયારે પતિ તરફે એડવોકેટ જોગડિયાએ બચાવ લીધો હતો કે, તેમને કથિત વ્યવહાર વાળો માલ મળ્યો જ નથી. ફરિયાદ પક્ષે જે બિલો રજૂ કર્યા છે તેમાં અલગ અલગ પેઢીઓના નામ છે અને તે પેઢીના માલિક આરોપી મનોહર ભાટિયા નથી તથા બિલોમાં કશે આરોપીની સહી નથી. જે દલીલ માન્ય રાખીને અત્રેની કોર્ટે તેમને પણ નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.



