દિવાળી અને છઠ પૂજા માટે વતન જવા યાત્રીઓનો ધસારો

- દિવાળી અને છઠ પૂજા માટે વતન જવા યાત્રીઓનો ધસારો
- મુસાફરોની ભારે સંખ્યાને કારણે સ્ટેશન પર અરાજકતાનો માહોલ સર્જાયો
- વતન જતાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે રૂટીન ટ્રેનો ઉપરાંત દોડાવી રહી છે 86 વધારાની ટ્રેનો
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠ પૂજા માટે યુપી-બિહાર જતા હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવાર હોવાથી સવારે હજારો મુસાફરો સ્ટેશન પર એકઠા થયા હતા, જેના કારણે રેલવે વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
મુસાફરોની ભારે સંખ્યાને કારણે સ્ટેશન પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકોની તબિયત પણ બગડવા પામી હતી. શનિવારે રાતથી જ મુસાફરો સ્ટેશને પહોંચવા લાગ્યા હતા. ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરનારા ઘણા મુસાફરો તેમની ટ્રેન માટે 10 કલાક અગાઉ સ્ટેશને પહોંચી ગયા હતા. સાથે જ સવાર અને બપોરની ટ્રેન માટે સ્ટેશનની બહાર મુસાફરોની બે કિમી સુધી લાંબી કતારો જોવા મળી હતી. ભીડ બેકાબૂ બની જતાં પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.
મહત્વનું છે કે, આ વર્ષે, આગામી દિવાળી અને છઠ પૂજા માટે પોતાના વતન જતાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે રૂટીન ટ્રેનો ઉપરાંત 86 વધારાની ટ્રેનો દોડાવી રહી છે, જે 30 નવેમ્બર સુધી ચાલશે.
સ્ટેશન ડાયરેક્ટર મુકેશ કુમાર સિંહે જણાવ્યું કે સ્ટેશન પર 10 થી 12 હજાર લોકોની સંખ્યામાં ભીડ છે. દૈનિક ટ્રેનો ઉપરાંત આજે બે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી છે. પ્લેટફોર્મ પર બે ટ્રેનો ઉભી હતી, જે લોકોએ ટિકિટ કન્ફર્મ કરી હતી તેઓને લાઈનમાં ટ્રેન સુધી પહોંચાડાયા હતા. આ ઉપરાંત બે વધુ ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આવતીકાલથી દોડવાનું શરૂ થશે.
દિવાળી-છઠના કારણે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. અહીંથી ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો ભરેલી છે. જેના કારણે મુસાફરોને હવે જનરલ કોચમાં ચઢવા માટે મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિવાળીના દિવસે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા માટે મચેલી નાસભાગમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. જેના કારણે આ વર્ષે જરૂરિયાત મુજબ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.