ઓનલાઇન પ્રક્રિયા દ્વારા રાજ્યના ૬૮૪ સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન

ઓનલાઇન પ્રક્રિયા દ્વારા રાજ્યના ૬૮૪ સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ પારદર્શક ‘કેમ્પ પદ્ધતિ’થી નર્સિંગ સ્ટાફની બઢતી અને બદલી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
નવી સિવિલ હોસ્પિટલ-સુરત ખાતે ૬૭ હેડ નર્સની જગ્યાઓ ભરાતાં હોસ્પિટલના ‘વોર્ડ મેનેજમેન્ટ’ અને વહીવટી વ્યવસ્થામાં થશે નોંધપાત્ર સુધારો
રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ સ્ટાફ માટે પારદર્શક, ન્યાયસંગત અને સંપૂર્ણ ઓનલાઇન ‘કેમ્પ પદ્ધતિ’થી બઢતી અને બદલીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર તેમજ સમગ્ર નર્સિંગ સ્ટાફે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. નર્સિંગ ક્ષેત્રમાં પારદર્શિતા, યોગ્યતા અને કર્મચારી હિતને કેન્દ્રસ્થાને રાખી લેવામાં આવેલો આ ઐતિહાસિક નિર્ણય સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવી લાગણી નર્સિંગ આલમે વ્યક્ત કરી છે.
રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં નર્સિંગ સ્ટાફ માટે એકસાથે અને સંપૂર્ણ પારદર્શક રીતે ‘કેમ્પ પદ્ધતિ’ દ્વારા બઢતી અને બદલીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૧૩૪ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને બઢતી, ૫૨ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની બદલી, ૪૫ પબ્લિક હેલ્થ નર્સને બઢતી, ૧૨ પબ્લિક હેલ્થ નર્સની બદલી તેમજ ૬૮૪ સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે બઢતી અને ૨૧ હેડ નર્સની બદલી ઓનલાઇન અને સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ અભિગમને સમગ્ર નર્સિંગ આલમે સહર્ષ બિરદાવ્યો છે.
આ સમગ્ર પ્રક્રિયાના પરિણામે નવી સિવિલ હોસ્પિટલ, સુરતમાં ૬૭ હેડ નર્સની જગ્યાઓ ભરાઈ છે, જેના કારણે હોસ્પિટલના વોર્ડ મેનેજમેન્ટ, દર્દી સંભાળ અને વહીવટી કામગીરીમાં નોંધપાત્ર સુવિધા અને કાર્યક્ષમતા વધશે. ૬૭ નવનિયુક્ત હેડ નર્સ પૈકી ૪૩ સ્થાનિક (સુરત સિવિલ) અને ૨૪ અન્ય જિલ્લાઓમાંથી બઢતી મેળવી અહીં ફરજ પર જોડાયા છે.
આરોગ્ય ક્ષેત્રના વહીવટને વધુ આધુનિક અને સુદૃઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ઓનલાઇન પ્રક્રિયા દ્વારા બઢતી અને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. એપ્રિલ માસ દરમિયાન ૧૩૪ આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને બઢતી આપવામાં આવી હતી, જ્યારે છેલ્લા બે મહિનામાં ૪૪ જેટલા પબ્લિક હેલ્થ નર્સ (PHN)ની બઢતી અને બદલીઓ પણ પારદર્શક રીતે કરવામાં આવી હતી. આ સામૂહિક પ્રક્રિયાથી રાજ્યની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે હેડ નર્સની કાયમી જગ્યાઓ ભરાઈ ગઈ છે.
‘ધ ટ્રેઇન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (TNAI) ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી ઇકબાલ કડીવાલાએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, “કોઈપણ પ્રકારના વગ કે ભલામણ વિના, સંપૂર્ણ પારદર્શિતા સાથે અને કોઈને પણ અન્યાય ન થાય તે રીતે નર્સિંગ સ્ટાફને તેમની પસંદગીનું સ્થળ મળ્યું છે. દેશના ઇતિહાસમાં નર્સિંગ ક્ષેત્રે એકસાથે આટલા મોટા પાયે ઓનલાઇન કેમ્પ યોજી ઓર્ડર આપવાની આ પ્રથમ ઘટના છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.
કડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ, સુરતમાં એકસાથે ૬૭ હેડ નર્સને પ્રમોશન મળતાં તમામ ખાલી જગ્યાઓ ભરાઈ ગઈ છે. આ નિમણૂકોથી હોસ્પિટલોની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં નર્સિંગ સ્ટાફના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણના અનેક કેસો મંજૂર કરીને રાજ્ય સરકારે કર્મચારી હિત માટે પોતાની વહીવટી તત્પરતા પણ સાબિત કરી છે.
આ પ્રસંગે ડૉ. પારુલબેન વડગામાએ જણાવ્યું હતું કે, કોઈપણ વગ કે ભલામણ વિના, કોઈને પણ અન્યાય ન થાય તે રીતે પારદર્શક વહીવટના માધ્યમથી નર્સિંગ સ્ટાફને તેમની પસંદગીનું સ્થળ મળ્યું છે. રાજ્ય સરકારનો આ નિર્ણય અત્યંત પ્રશંસનીય, આવકારદાયક અને પારદર્શક વહીવટનો ઉત્તમ નમૂનો છે. એકસાથે આટલા મોટા પાયે પ્રમોશન અને પોસ્ટિંગ થવાથી હોસ્પિટલના વોર્ડનું સંચાલન વધુ અસરકારક બનશે અને દર્દીઓને વધુ ગુણવત્તાસભર તથા સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે થોડા સમય અગાઉ જ GPSC દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ના આશરે ૭૦ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની સીધી નિમણૂક કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના દુરંદેશી વિઝન અને માર્ગદર્શન હેઠળ હેલ્થ સેક્ટરને વધુ મજબૂત બનાવવા, હોસ્પિટલોમાં પ્રશિક્ષિત માનવબળ ઉપલબ્ધ કરાવવા અને આરોગ્ય સેવાઓનું અસરકારક મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારના પ્રયાસો સરાહનીય છે.
ડૉ. પારુલબેન વડગામાએ ઉપસ્થિત સૌને સ્વચ્છતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, “આપણું ઘર સ્વચ્છ, આંગણું સ્વચ્છ અને હોસ્પિટલ પણ સ્વચ્છ રાખવી એ સૌની સામૂહિક જવાબદારી છે.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજાબેન પટેલ, નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો સર્વશ્રી નિલેશ લાઠિયા, જગદીશ બુહા, સંજય પરમાર, ગણપત પટેલ, ચેતન આહીર સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



