મહાનુભાવોને હસ્તે આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને મહુવા તાલુકાના તરસાડી ખાતે પીએમ જન-મન સંવાદ કાર્યક્રમ યોજાયો

સુરતઃસોમવારઃ કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેના ભાગરૂપે મહુવા તાલુકાના ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ, તરસાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું. આદિમજૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ધારાસભ્યોના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનમન અભિયાન હેઠળ ઉમરપાડા તાલુકામાં ૩૬ ગામો, માંડવીના ૨૩ ગામો, મહુવાના ૨૫ ગામો, બારડોલીના ૪ ગામો અને માંગરોળ તાલુકામાં ૧ ગામ મળી કુલ ૮૯ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતને વિકસિત દેશ બનાવવા માટે સૌને સંકલ્પબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.