દક્ષિણ ગુજરાતની પ્રગતિના પર્યાય બની રહેલા અનેકવિધ વિકાસ પ્રકલ્પો

દક્ષિણ ગુજરાતની પ્રગતિના પર્યાય બની રહેલા અનેકવિધ વિકાસ પ્રકલ્પો
માર્ગો, પુલો, એપ્રોચ-બાયપાસના રૂ. 401 કરોડથી વધુના ચાર મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ થકી દક્ષિણ ગુજરાતમાં વિકાસની અવિરત ગતિ
રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગના આયોજનબદ્ધ પ્રયાસોના પરિણામે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પરિવહન અને અર્થતંત્રને વેગ આપતું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર
– નવસારી જિલ્લામાં પૂર્ણા નદીની ક્રીક પર નિર્માણ પામી રહેલો દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રીક પુલ
– સુરતના ઓલપાડમાં નિર્માણ પામ્યો 900 મીટર લાંબો બાયપાસ
– બારડોલી, વાલોડ અને વ્યારા તાલુકાને જોડતા કડોદ-કોસાડી રોડ પર નિર્માણ પામી રહ્યો છે નવો હાઈ લેવલ બ્રિજ
– નવસારી જિલ્લાના નડોદ-સીમળ ગામ માર્ગ પર પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવાયો ડામર રોડ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાસૂચક નેતૃત્વમાં ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ દક્ષિણ ગુજરાતમાં નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિવારણ કરવા ઉપરાંત ગુણવત્તાયુક્ત પ્રકલ્પોને આગળ વધારી રહ્યો છે.
રાજ્યભરમાં ભારે વરસાદથી પ્રભાવિત રસ્તાઓ અને પુલોનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે, નવા પુલોનું નિર્માણકાર્ય ચાલુ છે અને એ ઉપરાંત રાજ્ય સરકાર નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોના રોજિંદા પરિવહનને સરળ, સુરક્ષિત અને ઝડપી બનાવવા પ્રયાસરત છે. દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા વિકાસ પ્રકલ્પો આ પ્રયાસોનાં જીવંત ઉદાહરણ છે. આ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ થકી દક્ષિણ ગુજરાતમાં વિકાસ અવિરત ગતિએ આગળ વધી રહ્યો છે. માર્ગો, પુલો, એપ્રોચ-બાયપાસના રૂ. 401 કરોડથી વધુના મહત્ત્વપૂર્ણ ચાર વિકાસ પ્રકલ્પો પર નજર કરીએ.
પૂર્ણા નદી પુલ: દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે સુગમ પરિવહન
નવસારી જિલ્લામાં પૂર્ણા નદીની ક્રીક પર નિર્માણ પામી રહેલો 1645 મીટર લાંબો પુલ દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રીક પુલ છે. 35 મીટરના 46 ગાળા ધરાવતો આ પુલ જલાલપોર તાલુકાના બોરસી માછીવાડથી દાંડીને જોડતા 7 કિલોમીટર લાંબા કોસ્ટલ હાઈવેની મિસિંગ લિંકને પૂર્ણ કરશે.
આ પુલ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓને સીધું જોડાણ પૂરું પાડશે, જેનાથી નાગરિકોની અવરજવર સરળ બનશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
આ પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે નાગરિકોને સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા પૂરી પાડશે. હાલમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂ. 325 કરોડની વહીવટી મંજૂરી મળી ગઈ છે.
આ પુલ નવસારીની નવનિર્માણધીન મેડિકલ કોલેજ, દાંડી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ, નવનિર્માણ પામનાર પી.એમ. ટેક્સટાઈલ પાર્ક, બોરસી (માછીવાડ) બંદર, ઓંજલ બંદર, ધોલાઈ બંદર, તેમજ સુરતના ખજોદ ખાતેના સુરત ડાયમંડ બુર્સ, એરપોર્ટ અને ડ્રીમ સિટી સાથે સીધું જોડાણ પૂરું પાડશે.
આનાથી નાગરિકોને શિક્ષણ, આરોગ્ય અને વેપારની સુવિધાઓ સુધી સરળ પહોંચ મળશે, જે રાજ્ય સરકારના નાગરિક-કેન્દ્રિત આયોજનનું પ્રતીક છે. આગામી બે વર્ષમાં આ બ્રિજ અને એપ્રોચને પ્રજાજનો માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે.
ઓલપાડ બાયપાસ* – *ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ
સુરત જિલ્લામાં 5.78 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ઓલપાડ બાયપાસ 14 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયો. 900 મીટર લાંબો આ બાયપાસ ઓલપાડમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરે છે, જેનાથી સાહોલથી હજીરા જતાં વાહનોનું 650 મીટરનું અંતર ઘટ્યું છે.
અગાઉ દરરોજ 30,432 પી.સી.યુ. જેટલો ટ્રાફિક ઓલપાડના આંતરિક માર્ગો પરથી પસાર થતો હતો, પરંતુ હવે આ બાયપાસથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે. આનાથી નાગરિકોને ટ્રાફિક જામ તથા પ્રદૂષણની સમસ્યાથી મુક્તિ મળી છે.
આ બાયપાસ હજીરાના એસ્સાર સ્ટીલ, કૃભકો, રિલાયન્સ, એન.ટી.પી.સી., એલ એન્ડ ટી, ગેલ અને આઈ.ઓ.સી. જેવા 27થી વધુ ઔદ્યોગિક એકમોના હજારો કર્મચારીઓની અવરજવરને પણ સરળ અને સુરક્ષિત બનાવે છે.
કડોદ-કોસાડી પુલ – નાગરિકોની સુવિધામાં વધારો
બારડોલી, વાલોડ અને વ્યારા તાલુકાને જોડતા કડોદ-કોસાડી રોડ પર 70 કરોડ રૂપિયાના ખર્ચે નવો હાઈ લેવલ બ્રિજ નિર્માણ પામી રહ્યો છે.
570 મીટર લાંબો, 13 મીટર પહોળો અને 22 મીટર ઊંચો આ પુલ ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમના પાણીથી ડૂબતા જૂના પુલની સમસ્યાને દૂર કરશે.
આ પુલનો લાભ 42થી વધુ ગામોના લગભગ 9 લાખ કરતાં વધારે નાગરિકોને મળશે. જેનાથી ખેતી, શિક્ષણ અને વેપાર માટે 23 કિલોમીટરનું વધારાનું અંતર ઘટશે. આ પ્રોજેક્ટ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે સ્થાનિક નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓ દૂર કરશે.
નવસારી જિલ્લાના નડોદ-સીમળ ગામના માર્ગ પર પ્લાસ્ટિક વેસ્ટયુક્ત ડામર રોડ બનાવાયો
નવસારી જિલ્લાના નડોદ-સીમળ ગામનો 3.40 કિમી માર્ગ પર રૂ. 1.70 કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટયુક્ત ડામર રોડ બનાવવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરી, 2025થી શરૂ થયેલી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેનાથી રસ્તાનું ટકાઉપણું અને પાણી પ્રતિકારકતા વધી છે. આનાથી પ્લાસ્ટિક કચરો તેમજ બાંધકામનો ખર્ચ ઘટ્યો છે. આ નવીન ટેકનોલોજી રાજ્ય સરકારના પર્યાવરણલક્ષી અભિગમ અને ખર્ચ-બચતના પ્રયાસોને દર્શાવે છે.
આ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે સુગમ, સુરક્ષિત અને ઝડપી પરિવહનની સુવિધા ઊભી કરી રહ્યા છે. રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગના આયોજનબદ્ધ પ્રયાસો દ્વારા નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓ દૂર થઈ રહી છે, અને ગુજરાતનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.