કૃષિ

રાસાયણિક ખાતરના વપરાશને ઘટાડવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

રાસાયણિક ખાતરના વપરાશને ઘટાડવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને
સુરતના ખેડૂતો પર્યાવરણ જાળવવા માટે સક્રિય: ૪ વર્ષમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડ્યો
વર્ષ ૨૦૨૧-૨૨માં ૧,૮૫,૬૪૦ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૭૫,૧૭૮ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૭૯,૩૪૧ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૪-૨૫ના ચાલુ વર્ષમાં ૮,૨૬૬ મેટ્રિક ટનનો ઉપયોગ નોંધાયો
સુરતના ૪૧,૬૧૮ ખેડૂતો ૨૯,૮૩૦ એકરમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી: રાસાયણિક ખાતરને તિલાંજલિ


રાસાયણિક ખાતરના વધતા ઉપયોગને કારણે જમીન અને પર્યાવરણ પર થતી હાનિ ઘટાડવા માટે સુરત જિલ્લાએ પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. જિલ્લાના ખેડૂતો સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડા તરફ આગળ વધ્યા છે. પર્યાવરણની જાળવણીમાં ખેડૂતોની જાગૃત્તિ તેમજ ઉમદા અભિગમના પરિણામે સુરત જિલ્લો રાજ્યમાં રાસાયણિક ખાતરના ઘટાડામાં પ્રથમ સ્થાન પર પહોંચ્યો હોવાનું નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)શ્રી સી.આર. પટેલે જણાવ્યું હતું.
સુરત જિલ્લામાં અંદાજિત કુલ ૧.૫૨ લાખ ખાતેદારો અને ૮.૫૦ લાખ ખેડૂતો નોંધાયેલા છે, જે ૨.૬૨ લાખ હેકટર જમીનમાં ખેતી કરી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રોત્સાહન અને માર્ગદર્શનના પરિણામે સુરતના ૪૧,૬૧૮ ખેડૂતો ૨૯,૮૩૦ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડ્યો છે.
સુરત જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં રાસાયણિક ખાતરના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૧,૮૫,૬૪૦ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૭૫,૧૭૮ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૭૯,૩૪૧ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૪-૨૫ના ચાલુ વર્ષમાં ૮,૨૬૬ મેટ્રિક ટનનો ઉપયોગ નોંધાયો છે. આ આંકડાઓથી સુરતના ખેડૂતો પર્યાવરણની જાળવણી અને જમીનની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નશીલ હોવાની પ્રતિતી કરાવે છે.

રાસાયણિક ખાતરના ઘટાડાના મુખ્ય કારણો:-
સજીવ ખેતી માટે પ્રોત્સાહન: ખેડૂતોને રાસાયણિક ખાતરના બદલે સજીવ ખેતી તરફ વાળવા માટે ખાસ પ્રયાસો રાજ્ય સરકાર, કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા. જીવનદ્રાવક પદ્ધતિઓ જેવા કે જીવામૃત્ત, વેસ્ટ ડિકમ્પોઝર અને ફૂલતાજીવનો ઉપયોગ કરીને પ્રાકૃતિ ખેતી શીખવવામાં આવી.

જાગૃતિ કાર્યક્રમો: ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા સ્તરે શિબિરોનું આયોજન કરાયું. અહીં ખેડૂતોને જમીનના સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતરના પ્રમાણથી થતાં નુકસાન અંગે શિક્ષણ આપવામાં આવ્યું.

સહાય યોજનાઓ: સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સજીવ ખાતર અને કુદરતી ખેતી માટે સહાય યોજના લાગુ કરાઈ. ઉપરાંત, ગુણવત્તાવાળા બીજ અને કુદરતી ખાતર ખરીદવા માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવી.

ટેકનોલોજીનો ઉપયોગ: ખેડૂતોને નવીન ટેકનોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમ કે ડ્રિપ સિંચાઈ અને એક્રોપોનિક્સ પદ્ધતિઓ. આ પદ્ધતિઓ ખાતર અને પાણીના ઉપયોગમાં ઘટાડો કરવા મદદરૂપ રહી.

ફાયદા અને પરિણામોઃ
 જમીનની ફળદ્રુપતા સુધરી: સજીવ પદ્ધતિઓથી જમીનનું પોષણ સ્તર સુધર્યું છે.
 ખેતી ખર્ચમાં ઘટાડો: રાસાયણિક ખાતરના ઓછા ઉપયોગથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થયો, જે આવકમાં વધારા માટે મદદરૂપ
 જમીન અને પાણીનું સંરક્ષણ: કુદરતી પદ્ધતિઓ અપનાવવાથી પ્રદૂષણ ઓછું થયું અને પોષક તત્વોનું સંરક્ષણ વધ્યું.

ખેડૂતોના પ્રયત્નો: એક પ્રેરણારૂપ ઉદાહરણઃ
સુરત જિલ્લાના ખેડૂતોના આ પ્રયત્નો રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે માઈલસ્ટોન સાબિત થયા છે. રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડા સાથે પર્યાવરણની જાળવણી માટેના આ પ્રયત્નો અન્ય જિલ્લાઓ માટે માર્ગદર્શક બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button