સુરતનું ગવિયર તળાવ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ
- સુરતનું ગવિયર તળાવ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ
- ગવિયર તળાવમાં લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે
- સુરતમાં દરિયાકિનારો અને તાપી કાંઠો હોવાથી ‘ધ બર્ડ સેન્ચુરી’ માટે સ્થાનિક વિસ્તારમાં શ્રેષ્ઠ પોટેન્શિયલ
- ગવિયર તળાવમાં ગત વર્ષમાં ૧૭૦થી વધુ વિવિધ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા
- પક્ષીઓને રાંધેલો ખોરાક આપીને આપણે તેમના જીવને જોખમમાં મૂકીએ છીએ: પક્ષી નિષ્ણાત પ્રિતેશ પટેલ
- પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય એટલે ગવિયર તળાવ
-
સુરત અને દ.ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. દર વર્ષે, ઉત્તર છેવાડેથી હજારો માઈલોની મુસાફરી કરીને સ્વયંસ્ફુરિત માર્ગદર્શન પ્રમાણે કોઇ નેવિગેટર વિના ઉડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર વિઝાના પ્રવાસી જેવા અસંખ્ય નાના-મોટા પ્રવાસી યાયાવર, સિગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગવિયર તળાવ સ્વર્ગ સમાન બન્યું છે. સ્વયંસંચાલિત માર્ગ અને મુસાફરી કરીને દક્ષિણ ગુજરાત સહિત સુરતના દરિયા કિનારે તેમજ તાપી કાંઠે શિયાળાની ઋતુમાં ખોરાક માટે સફર કરીને આવતા આ પક્ષીઓને કારણે ગવિયર તળાવમાં પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય સર્જાયો છે. ગવિયર લેકમાં હાલ લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે.
શિયાળામાં સુરતના દરિયાકિનારે અને તાપી કાંઠે કુદરતી નૈસર્ગિક વાતાવરણનો અહેસાસ થાય છે. સાઈબીરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, ઉત્તર એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, ઈરાન, ઈરાક, નોર્વે, સ્વિડન, ડેન્માર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજ્જારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર સિગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે. ગુજરાતમાં માફકસરની ઠંડી, મીઠાંપાણી, ખારાંપાણી, રહેવા, ખાવા-પીવાની અનુકૂળતા, સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે સુરતના મહેમાન બને છે. સુરતમાં ફક્ત સિગલ્સ પક્ષીઓ જ નથી આવતા, પણ અન્ય પક્ષીઓની પણ હાજરી નોંધાઈ છે. ઉનાળો શરૂ થતાં તેમના વતન તરફ જવા માટે રવાના થતાં હોય છે.
નેચર ક્લબ-સુરતના કોર્ડિનેટર પ્રિતેશ પટેલે કહ્યું હતું કે, સુરતીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી, પણ વિદેશી પક્ષીઓની મહેમાનગતિમાં થોડી ચૂક થઈ રહી છે. જીવદયા એ માનવીય અભિગમ છે, પણ અબોલ પક્ષીઓના જીવને જોખમમાં મૂકીને જીવદયા યોગ્ય નથી. યાયાવર પક્ષીઓને તળેલા ગાંઠીયા, રાંધેલો ખોરાક, ફાફડી અને ભુંસુ જેવી તળેલો ખોરાક ખવડાવી રહ્યા છે. તેઓ પક્ષીઓનું પેટ નથી ભરી રહ્યા પણ નુકસાન પહોંચાડી રહ્યા છે, પક્ષીઓનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. કુદરતી પક્ષીઓના ઘરે ક્યારેય કિચન નથી હોતું, કુદરતે પક્ષીઓની પોષણ જાળમાં દરેક જીવને નૈસર્ગિક વાતાવરણમાં પોતાનો ખોરાક મળી જ રહે એવી પ્રાકૃતિક વ્યવસ્થા કરી છે. અગર જો કંઈક ખવડાવવું જ હોય તો વઘાર્યા વગરના સાદા મમરા આપી શકાય, ચોખાના લોટની ગોળી, ફ્રૂટસ આપી શકાય એમ વધુમાં ઉમેર્યું હતું.
પ્રિતેશ પટેલે વધુમાં જણાવ્યું કે, દરેક પક્ષીની પોતાની એક કુદરતી આહાર શૈલી હોય છે. આપણે તેમને માછલી, કીટકો, લીલ સહિતનો કુદરતી ખોરાક ગ્રહણ કરવા દેવો જોઈએ. ઘરે રાંધેલો ખોરાક કે તળેલો ખોરાક ન આપવો જોઈએ. જેથી તેમનું આરોગ્ય જળવાઈ રહે અને યોગ્ય સમયે પરત પોતાના વતનમાં જઈ શકે. સિગલ્સ પક્ષીઓનું આયુષ્ય સામાન્ય રીતે ૧૦થી ૨૦ વર્ષનું હોય છે. તેના જીવનકાળમાં કેવો પૌષ્ટિક આહાર અને અનુકૂળ વાતાવરણ મળે છે તેના પર તેમનું આયુષ્ય નિર્ભર હોય છે. રાંધેલો ખોરાક આપતા કે શિકાર કરતું હોય તો તેમને અટકાવવા અતિ આવશ્યક છે. નહીં તો આવી વિદેશી પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થઈ જશે અને બાળકોને માત્ર ફોટોગ્રાફ્સમાં પક્ષીઓ જોવા મળશે.
દક્ષિણ ગુજરાતમાં પર્યાવરણીય સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા ‘સુરત નેચર ક્લબ’ના પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી, પક્ષીવિદ્ એવા શ્રી સ્નેહલભાઈ પટેલ જણાવે છે કે, સુરતના ડુમ્મસ નજીક સાયલન્ટ ઝોન વિસ્તારના ગવિયર ખાતે નેચર ક્લબ સુરતે છેલ્લા ૨૦ વર્ષથી મહેનત કરીને બર્ડ સેન્યુરી જેવું કુદરતી નૈસર્ગિક વાતાવરણ ઉભુ કર્યું છે. વિદેશી પક્ષીઓને તળેલો કે રાંધેલો ખોરાક આપવાથી તેની વધુ સમય ઉડવાની ક્ષમતા ઘટી જાય છે. અને પક્ષીઓને ફરસાણ આપવુ એ બર્ગર ખવડાવ્યા સમાન છે, જેનાથી તેમનું શરીર જાડું થઈ શકે છે, તંદુરસ્તી ગુમાવી બેસે છે, અને ઉડવામાં અવરોધરૂપ બને છે.
વિદેશી પક્ષીઓને નિહાળવા માટે દર રવિવારે સવારે ૭ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા સુધી ગવિયર તળાવ ખુલ્લું રહે છે
સુરતના ડુમ્મસ નજીક સાયલન્ટ ઝોન વિસ્તારના ગવિયર તળાવમાં વિદેશી પક્ષીઓને મહાલતા જોવા દર રવિવારે સવારે ૭ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ગત વર્ષ દરમિયાન ગવિયર તળાવ ખાતે ૧૭૦થી વધુ વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા છે. સુરતના દરિયાકાંઠે, રાંદેર અને સિંગણપોરને જોડતા તાપી નદી પરના કોઝવે, ગવિયર લેક, હજીરા, ડુમસના દરિયાકિનારાના ગામડાઓમાં પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે બતક, પેણ, ઢોક, સુરખાબ, રાજહંસ, ગારખાદ, રાતાપગ, શંખલો, ટીટોડી, નાની ખલિલી, સોવેલર, જલ મુર્ગાં, કોમન કૂડ સેન્ડપીયરનું આગમન થયું છે. સાઇબિરિયન ક્રેઈન્સ, ગ્રેટર ફ્લેમિંગો, રફ્ફ, બ્લેક વિંગ્ડ સ્ટિલ્ટ, બ્લુ થ્રોટ, બ્રાહ્મિણી, એસ્પ્રે, હેરિયરની, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, વિજયન (પિયાસણ), શોવલર(ગયણો), પિનટેઈલ(સિંગપર), ગાર્ગેની (ચેતવા), કોટન ટીલ (ગિરજા), કોમન ટીલ (નાની મુરઘાબી), સ્પોટબોઈલ ડક(ટીલીયાળી બતક), કોમન પોચાર્ડ (રાખોડી કારચીયા) જેવી અનેક પ્રજાતિના પક્ષીઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાત લે છે. ફ્લેમિંગો તાપી નદી કિનારે જોવા મળે છે.
.
યાયાવર પક્ષીઓની યાદશક્તિ સતેજ હોય છે: પ્રવાસ દરમિયાન ગંતવ્ય સ્થાન અને રૂટ ભૂલતા નથી
સ્થળાંતર કરતા પક્ષીઓ ક્યારેય પણ તેમનું ગંતવ્ય સ્થાન અને રૂટ ભૂલતા નથી. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે પક્ષીઓ સૂર્યને નજર સમક્ષ રાખીને સ્થળાંતર કરવા માટેની દિશા નક્કી કરે છે. ઉડવાની ગતિ પણ જાળવી રાખે છે. પક્ષીઓ પોતાની સફર શરૂ કરતા પહેલા ખાઇ લે છે, ત્યારબાદ સફરની વચ્ચે આ પક્ષીઓ કોઇ પણ પ્રકારનો ખોરાક લેતા નથી. જયારે પક્ષીઓ પોતાની નિયત જગ્યાએ પહોંચી જાય છે, ત્યારે ફરી ખોરાકની શોધ શરૂ કરે છે એમ સ્નેહલભાઈ જણાવે છે.